અકસ્માતમાં ઘવાયેલા લોકોને મદદ કરનારા નાગરિકોને મળશે ₹5000 અને સન્માનપત્ર – ‘ગુડ સમરીટન યોજના’ હેઠળ ઇનામ

જુનાગઢ જિલ્લામાં હવે માર્ગ અકસ્માતના ઘવાયેલા લોકોની મદદ કરનારા નાગરિકોને સરકાર તરફથી ઇનામ અને સન્માન મળશે. ‘ગુડ સમરીટન યોજના’ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક ખૂબજ માનવતાવાદી પહેલ કરવામાં આવી છે, જેમાં તે નાગરિકો કે જે અકસ્માતના ઘટનાસ્થળે તાત્કાલિક ઘાયલને હોસ્પિટલમાં પહોંચાડે છે, તેમને રોકડ રૂ.5000/- અને પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવશે.

આ યોજના માટે ખાસ કરીને “ગોલ્ડન અવર” એટલે કે અકસ્માત બાદનો પહેલો એક કલાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળામાં યોગ્ય સારવાર મળી જાય તો અનેક જીવ બચી શકે છે. ભય અને કાયદાકીય પચડાઓને લીધે ઘણા લોકો મદદ કરતા નથી – પણ હવે સરકાર આવા સભ્ય નાગરિકોને બિરદાવી રહી છે.

જુનાગઢ રેન્જના પોલીસ IG શ્રી નીલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ કર્યું કે, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની તાત્કાલિક સારવાર કરાવવી એ માનવ ધર્મ છે અને જે વ્યક્તિ આવા સંજોગોમાં સહાય કરે છે તેને હવે નાણા મળવાના છે – તેમજ જાહેરમંચ પર સન્માન પણ અપાશે.

યોજનાની મુખ્ય વિગતો:

  • તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને ₹5000/- DBT મારફતે ચૂકવાશે

  • સન્માનપત્ર આપવામાં આવશે

  • જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અથવા અન્ય અધિકારીઓ જાહેર સન્માન કરશે

  • સન્માન એક સપ્તાહમાં જ અપાશે

  • કોઈ કાયદાકીય કાર્યવાહી/જવાબદારી નહીં હોય

આ અંગે શહેર ટ્રાફિક શાખાના PI બી.બી. કોલીએ પણ નાગરિકોને માનવતાના અભિગમ સાથે આગળ આવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, “અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ નાગરિક ઘાયલને જોઈને ડરે નહીં, પણ મદદ માટે હિંમત કરે.”

આ યોજના દેશમાં જાહેરમાટે એક સંદેશ પણ આપે છે – કે એક વ્યક્તિનું જીવ બચાવવું એ મહાન કામ છે અને હવે એ માટે પૂરતું માન્યત્વ અને પુરસ્કાર પણ મળશે.

નિર્દેશ:
જિલ્લાના તમામ નાગરિકો, NGO, યુવા સંગઠનો તથા રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે ખાસ જાગૃતિ અભિયાન ચલાવાશે, જેથી અકસ્માત વખતે બધા તરત આગળ આવી શકે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ