“આધુનિક સમયમાં સંસ્કૃતભાષા સંબંધિત વ્યવસાયના અવસરો” તથા મૃચ્છકટિકમ્ નો સંક્ષિપ્ત પરિચય વિષયે વ્યાખ્યાનમાળા યોજાઇ

સંસ્કૃત ભાષાનું મહત્વ વિશ્વ જેટલું વહેલું સમજશે એટલું વહેલાસર લાભકારી,-પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિજૂનાગઢ તા.૨૪, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત ભવનનાં અધ્યક્ષ ડો. નિશીથ ધારૈયાનાં માર્ગદર્શનમાં સંસ્કૃત વિશેષજ્ઞોના વ્યાખ્યાન સમયાંતરે યોજવામાં આવતા હોય છે જે અંતર્ગત “આધુનિક સમયમાં સંસ્કૃતભાષા સંબંધિત વ્યવસાયના અવસરો” તથા મૃચ્છકટિકમ્ નો સંક્ષિપ્ત પરિચય” વિષયે શ્રીલાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્હીથી સાંખ્યયોગ વિભાગના અધ્યક્ષ પ્રો.માર્કન્ડેય નાથ તિવારીજી દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

જેમાં તેઓએ વિદ્યાર્થીઓને સંસ્કૃતના મહત્ત્વની સાથે આજના સમયમાં સંસ્કૃતભાષાની વ્યવસાયિક ઉપયોગીતા વિશે વિશેષ જાણકારી આપતાં જણાવ્યું કે યોગના અષ્ટ અંગોમાંથી એક માત્ર આસનને આધારે આજે પતંજલી યોગ ક્ષેત્રે બાબારામદે વિશ્વમાં સુવિખ્યાત થયા છે. આવું તો સંસ્કૃતમાં ઘણું બધું છે. સંસ્કૃત ભાષાની શિક્ષણની સાથે સાથે વાસ્તુવિજ્ઞાન, ચિત્રકળા, વિવિધ ગ્રંથોને આધારે શબ્દકોશ નિર્માણ, ૩૬ કળાઓ, ભાષા વિજ્ઞાન, લેખનકળા, ભરતના નાટ્યશાસ્ત્રને આધારે ફિલ્મ નિર્માણ અને રસ વિજ્ઞાન, શબ્દ વ્યુત્પત્તિ, જ્યોતિષશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, જળ વિજ્ઞાન વગેરે અનેક વિધાઓમાં વર્તમાન સમયમાં અનેક સ્વતંત્ર વ્યવસાયના અવસરો ઉપલબ્ધ છે તેમ જણાવી કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીનો સંસ્કૃત પ્રત્યેનો સ્નેહ અને તેમના દ્વારા થતા સંસ્કૃતના કાર્યોની સરાહના કરી હતી.

કાર્યક્રમને શુભકામનાં સંદેશો પાઠવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ગુજરાતી, હીન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનાર લોકો માટે સંસ્કૃત વ્યાકરણ ભલે અધરૂ રહ્યું, છતાં સંસ્કૃત બોલવું એમના માટે અઘરૂં નથી કારણ કે આ ભાષાઓના ઘણાખરા શબ્દો શુદ્ધ સંસ્કૃતના જ છે અથવા સંસ્કૃત શબ્દોનાં અપભ્રંશ છે. ‘વસુદેવ કુટુમ્બકમ’નું સૂત્ર આપનાર સંસ્કૃત આપણી પ્રાચીન સાંસ્કૃતિક વારસાના પ્રતિક જેવી ભાષા આપણી વચ્ચે દિવસે-દિવસે સિમિત બનતી જાય છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને ખૂબ જ પવિત્ર, કુદરતી અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે. કેમ કે સંસ્કૃતએ પૂર્ણ ભાષા છે. વિશ્વને સર્વ ભાષાની જનેતા એવી સંસ્કૃત ભાષાનું મહત્વ હવે સમજાઇ ચુક્યુ છે, ‘વસુદેવ કુટુમ્બકમ’ પારિવારિકનો આદર શિખવતી પ્રાચિન સંસ્કૃત ભાષા ટેકનોલોજી અને વિજ્ઞાનને પણ સરળ લાગે છે. સંસ્કૃત ભાષાનું મહત્વ વિશ્વ જેટલું વહેલું સમજશે એટલું વહેલાસર લાભપ્રદ બની રહેશે. વ્યાખ્યાન માળાના અવસરે સંસ્કૃત બોર્ડના ચેરમેન પ્રિ. ડૉ. એમ.કે. મેતરાએ જણાવ્યું કે નુતન સંસ્કૃત ભવન સતત વિકસિત થતું જાય છે. ભવિષ્યમાં સંભાષણ, શોધ વગેરેમાં ખુબ વિકસિત થઇ વટવૃક્ષ બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સંસ્કૃત ભવનના અધ્યાપક શ્રી અજયભાઈ મહેતાએ કાર્યક્રમ પ્રારંભે આમંત્રીતોને આવકારી જણાવ્યુ હતુ કે વિશ્વમાં જે કાંઈ ઉત્તમ જ્ઞાન અને વિચારો છે તે શીખવા ને પ્રસરાવાનો ઉપક્રમ થવો જોઈએ, કલાઓ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજવિદ્યા, વિજ્ઞાન, ધર્મ અને જ્ઞાન અને માન્યતાનાં અન્ય ક્ષેત્રો વચ્ચેનાં સંબંધોના અભ્યાસ અર્થે સંસ્કૃત એક બહિર્મુખી-અન્ત-શ્લિષ્ટયોગાત્મક ભાષા છે

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-મેંદરડા કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. એલ. એમ. પાનશેરિયા અને સંસ્કૃત ભારતી- જૂનાગઢના સહ-સંયોજક અને અંગ્રેજી વિષયના નિવૃત પ્રોફેસર ડૉ. દિનેશભાઈ પંડયા, ગુજરાતી ભવનનાના અધ્યાપકો ડૉ.પારૂલ ભંડેરી તથા ડૉ.કિશોર વાળા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત ભવનના અધ્યાપક ડૉ. મૌલિક કેલૈયાએ સંભાળ્યુ હતુ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)