કચ્છ:
આમ આદમી પાર્ટીએ આજથી મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાતભરના 52000 બુથને લક્ષ્યમાં રાખીને પોતાના સંગઠનને ફેલાવશે. આજે મિશન વિસ્તારના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ કચ્છ ખાતે મિટિંગમાં ભાગ લીધો હતો. આ મિટિંગમાં કચ્છના સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ દરમિયાન પ્રદેશના નેતાઓના હાથે ટોપી અને ખેસ પહેરીને મોટી સંખ્યામાં સમાજસેવકો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાંના તમામ 52000 બુથો મજબૂત બને તેને લક્ષ્યમાં રાખીને અમે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. કચ્છથી આજે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ત્રણ તબક્કાઓમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગામી ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરશે. અને સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કરીને સંગઠનને મજબૂત કરીશું અને મોટી સંખ્યામાં જોઈનિંગના કાર્યક્રમો પણ રાખીશું.
કચ્છની વાત કરીએ તો કચ્છ ખનીજથી ભરપૂર વિસ્તાર છે, ક્ષેત્રની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને સૌથી વધુ ગોચર જમીન અહીંયા છે. પરંતુ દુઃખની વાત છે કે ભાજપના મળતીયાઓએ અધિકારીઓ પર દબાણ કરીને કચ્છને લૂંટવાનું કામ કર્યું છે. કચ્છમાં સૌથી વધુ ગોચર જમીન ઉદ્યોગપતિઓને અથવા તો તેમના મળતીયાઓને ફાળવવામાં આવી છે. પોતાની સરકાર હોવાના કારણે ભાજપના મળતીયાઓએ છેલ્લા 30 વર્ષથી કચ્છને લૂંટવાનું કામ કર્યું છે. વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર ગોચર જમીન ઉદ્યોગપતિઓને અને મળતીયાઓને આપી દેવામાં આવી છે. જેમાંથી 1 કરોડ અને 98 લાખ ચોરસ મીટર જમીન માત્ર કચ્છની છે. હમણાં કાગડા ગામમાં ગોચરની જમીનને લઈને જે વિવાદ થયો તેમાં હાઇકોર્ટે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઉદ્યોગપતિઓની દલાલી કરવાની જરૂર નથી. આવી કેટલી જમીનો છે. ઘણી જગ્યા ઉપર કાગળ પર ગોચર જમીન હોય છે, પરંતુ ત્યાં ગોચર જમીન હોતી નથી અને પવનચક્કીઓ લાગી ગઈ હોય છે.
માટે આપણે સૌ સમજી શકીએ છીએ કે સૌથી મોટું ગોચર જમીન ચોરવાનું કૌભાંડ કચ્છમાં ચાલી રહ્યું છે. બીજી બાબત એ કે કચ્છમાં મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી છે. ભાજપના આગેવાનો અને તેમના મળતીયાઓ મિલીભગત કરીને ખનીજની ચોરી કરી રહ્યા છે. હમણાં અમારા ધ્યાનમાં મીઠાનું કૌભાંડ પણ ધ્યાનમાં આવ્યું છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવા માટે સરકાર પાસે જમીન નથી અને અગરિયાઓની લીઝ રીન્યુ કરતા પણ નથી. ખેડૂત હોય કે અગરિયાઓ હોય આમનું જીવન જ આ જમીન પર નિર્ભર હોય છે પરંતુ સરકાર તેમની જમીન આપતી નથી.
અહેવાલ:- ગુજરાત બ્યુરો