ગુજરાત: રાજ્યભરમાં આર.ટી.ઓ. ટેક્નિકલ ઑફિસર ઍસોસિયેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. અનિશ્ચિત સમય માટે આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ હતી, પરંતુ આજે સરકાર દ્વારા સકારાત્મક વલણ અપનાવી પડતર પ્રશ્નો ઉકેલવા માટે બાંહેધરી આપવામાં આવતા તમામ ટેક્નિકલ ઑફિસરો ફરીથી પોતાના કાર્યસ્થળે પરત ફર્યા છે. વિરોધ સમાપ્ત થતાં, અરજદારોને હાશકારો અનુભવાઈ રહ્યો છે અને આર.ટી.ઓ.ની કામગીરી રાબેતા મુજબ પુનઃ શરૂ થઈ છે.
આજથી અરજદારોની ફાઇલ પ્રોસેસ થશે
ગઈકાલે આંદોલનના કારણે અરજદારોની ફાઇલો અટકાઈ ગઈ હતી, પરંતુ આજે બપોરે 12:00 વાગ્યા પછી જે અરજદારોની એપોઇન્ટમેન્ટ બુક હતી, તેમની અરજીઓની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે. વાહન લાયસન્સ, પર્મિટ અને અન્ય આર.ટી.ઓ. સંબંધિત કામ માટે રાહ જોનારા અરજદારોને હવે રાહત મળશે.
‘નો લોગિન ડે’ બાદ સરકાર અને એસોસિયેશન વચ્ચે સમજૂતી
સોમવારે, આર.ટી.ઓ. ટેક્નિકલ ઑફિસરો દ્વારા ‘નો લોગિન ડે’ યોજાયો હતો, જેમાં કોઈ પણ ઑફિસરએ કચેરીની ડિજિટલ સિસ્ટમમાં લોગિન કર્યું નહોતું. પરિણામે, મોટી સંખ્યામાં ફાઇલો અટવાઈ ગઈ હતી અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ ટેક્નિકલ ઑફિસરો સામૂહિક રજા (માસ સીએલ) પર જવાની તૈયારીમાં હતા, પરંતુ સરકાર સાથે થયેલી ચર્ચા બાદ પ્રશ્નો ઉકેલવા માટેના આશ્વાસન મળતાં, તમામ ઑફિસરો કામે પરત ફર્યા છે.
રાજ્યભરમાં આર.ટી.ઓ.ની કામગીરી રાબેતા મુજબ શરૂ
આર.ટી.ઓ. કચેરીઓમાં ફરી એકવાર નિયમિત કામગીરી શરૂ થઈ હોવાથી વાહન માલિકો, લાયસન્સ અરજદારો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. સરકારના આ વલણને પગલે, ટેક્નિકલ ઑફિસરો ફરીથી પોતાની ફરજ પર સક્રિય થયા છે અને તમામ આર.ટી.ઓ. કચેરીઓમાં હવે અટકેલી ફાઇલોની કામગીરી ઝડપથી હાથ ધરાશે.
અહેવાલ: ગુજરાત બ્યુરો