આસારામ વિરુદ્ધના દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપી પોલીસ પકડથી બચવા વિવિધ રાજ્યોમાં છૂપાતો હતો અને ઓળખ છુપાવવા માટે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયો હતો.
આસારામના સાક્ષીઓને નિશાન બનાવતો હતો આરોપી
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે તામરાજ પર ₹50,000નું ઈનામ રાખવામાં આવ્યું હતું. તેણે આસારામ અને નારાયણ સાંઈને જેલમાં મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા છ મહીનાથી તેની તપાસ ચાલી રહી હતી અને આખરે નોઈડામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
સિન્ડિકેટ દ્વારા હુમલાઓની યોજના
આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ કોર્ટમાં નિવેદન આપવાના હતા. ત્યારે કાર્તિક, તામરાજ સહિતના આરોપીઓએ ગુપ્ત મીટિંગ યોજી એક સિન્ડિકેટ રચ્યું અને ફંડ એકત્રિત કરીને સાક્ષીઓ પર જીવલેણ હુમલા શરૂ કર્યા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી મહત્વના દસ્તાવેજ કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.