દિવાળી પછીનો સમય શિયાળાની શરૂઆત અને આજ સમયે આકાશ દર્શન માટે ઉત્તમ નજારો જોઈ શકાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આકાશમાં ઘણા ગ્રહોને નરી આંખે જોઈ શકાય છે અને તેની જ સાથે ડિસેમ્બર મહિનામાં ઉલ્કાવર્ષા પણ સારી રીતે નરી આંખેથી જોઈ શકાય છે. વર્ષ 2024 નો આખરી ઉલ્કાવર્ષા 13 થી 16 ડિસેમ્બર સુધી જોઈ શકાશે. જેમાં ખાસ તો 13 ડિસેમ્બર, શુક્રવારે રાત્રે 2 વાગ્યા થી 6 વાગ્યા સુધી અને 14 ડીસેમ્બર, શનિવારે ઉલ્કાવર્ષાનો મહત્તમ નજારો જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ જેવા શહેરોમાં વહેલી સવારે 5 વાગ્યાથી સૂર્યોદય પહેલા 6.30 વાગ્યા સુધી ઉત્તર-પૂર્વ દિશા તરફ જોઈ શકાશે. સમગ્ર વિશ્વમાં આ સમયની અવકાશ રસિકો રાહ જોઈને બેઠા હોય છે અને દર વર્ષે ડિસેમ્બર દરમિયાન જેમિનિડ્સ ઉલ્કાવર્ષા જોવા મળે છે. ગુજરાતમાં પણ અવકાશ રસિકો એક કલાકમાં 30 થી 50 ઉલ્કાઓ અને ક્યારેક તો વધુમાં વધુ 80 થી 100 ઉલ્કાઓ આકાશમાં જોઈ શકે છે. આ માટે જૂનાગઢ ના બ્રહ્માનંદજી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર શ્રી પ્રતાપસિંહ ઓરા દ્વારા તેમજ અવકાશ વિજ્ઞાનના તજજ્ઞ અને મંડલીકપુર શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી તુષારભાઈ પંડ્યા દ્વારા આ વિશેષ માહિતી આપવામાં આવી છે કે જેથી વધુને વધુ બાળકો, યુવાનો અને અવકાશ રસિકો આ નજારાને સરળતાથી જોઈ શકે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)