ગીર સોમનાથ
ઉના બસ સ્ટેશનના પ્લેટ ફોર્મ અને વર્ક શોપમાં ગંદકીના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે આ બસ સ્ટેશનમાં ભાગે ગંદકીના કારણે મુસાફરોને બસ સ્ટેશનમાં બેસવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે, બસ સ્ટેશનમાં બેસવા જેવું રહ્યું નથી કારણ કે ગંદકીના કારણે બસ સ્ટેશનમાં ખરાબ દૂર્ગંધ આવી રહી છે જેથી મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.
પોતાના સ્વાસ્થ્ય પર પણ આડઅસર થતી હોવાના કારણે મુસાફરો બસ સ્ટેશનમાં બેસવાનું તો શું પ્રવેશવાનું પણ ટાળી રહ્યા છે.
થોડા સમય પહેલાજ ઉના બસ સ્ટેશનમાં કહેવાતા સ્વચ્છતા અભિયાન માટેના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. તે જ બસ સ્ટેશનમાં વિશાળ ગંદકી જોવા મળી રહી છે તે જોતા લાગે છે ઉના બસ સ્ટેશનના અધિકારીઓ- કર્મચારીઓને આ ગંદકી દેખાતી નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
બસ સ્ટેશનમાં ભારે દુર્ગંધના લીધે મુસાફરો બેસવાનું તો શું, બસ સ્ટેન્ડમાં પ્રવેશવાનું પણ ટાળે છે
ઉના બસ સ્ટેશનમાં રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ઉના નગર અને મુસાફરોની માંગણી છે કે સત્વરે ઝડપથી ઉના બસ સ્ટેશનના પ્લેટ ફોર્મ અને વર્ક શોપના ભાગે આવેલી ગંદકીને દૂર કરવામાં આવે જેથી બસ સ્ટેશનમાં આવતા મુસાફરો બસ સ્ટેશનમાં બેસી શકે.
તેમજ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ગુજરાતની સરકારી કચેરીઓની અંદર દારૂની ખાલી બોટલો પહોંચી જાય છે. ઉના બસ સ્ટેશનના વર્ક શોપ અને ડ્રાઈવર કન્ડક્ટરના આરામ ગૃહમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. આ બોટલો ક્યાથી આવી અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આવી ઘટના રાજસ્થાન કે, કોઈ અન્ય રાજ્યમાં ઘટી હોય એવું નથી આ દ્રશ્યો ગાંધીના ગુજરાતના છે. ઉના બસ સ્ટેશનના વર્ક શોપ અને ડ્રાઈવર કન્ડક્ટર ના આરામ ગૃહના છે કે જ્યાં ખાલી દારૂની બોટલો જોવા મળી છે.તેમજ મળતી વિગતો પ્રમાણે ઉનાનું એસટી બસ સ્ટેશન સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે.
પરંતુ એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાઓ હોવા છતાં પણ આ બસ સ્ટેશન ની અંદર ખાલી દારૂની બોટલો ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે સંવેદના ટાઈમ્સની ટીમ ઉના એસટી બસ સ્ટેશનમાં પહોંચી તો ત્યાં દારૂની ખાલી બોટલો જોવા મળી હતી.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)