ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા ટીઆરબી કર્મચારીનું અકસ્માતમાં મોત બેફામ દોડતી રેતીની ટ્રકો દ્વારા વારંવાર અકસ્માત થતાં બેફામ દોડતા વાહનો પર અંકુશ લાવવા તંત્ર જાગૃત બને

ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી પાણેથા જવાના રોડ પર ખાખરીપુરા ગામ પાસે થયેલ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજપારડીના ટીઆરબી જવાનનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. કોઇ અજાણ્યા રેતી વાહક વાહને આ અકસ્માત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઉમલ્લા પંથકમાં બેફામ દોડતી રેતીની ટ્રકો દ્વારા અવારનવાર નાનામોટા અકસ્માત થતાં હોય છે,આ અકસ્માતમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનનું મોત થયું હોય પોલીસ તંત્ર જાતેજ અસલામત હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે ઉમલ્લા પંથકના નર્મદા કિનારાના પાણેથા વિસ્તારમાંથી નર્મદાના તટમાંથી રેતી ભરીને આવતા વાહનોની સંખ્યા ખુબ મોટી છે,અને આવા રેતીવાહક વાહનો મોટાભાગે ઓવરલોડ જથ્થો ભરીને દોડતા હોવા ઉપરાંત ભીની પાણી નીતરતી રેતીનું વહન કરતા હોય છે. ઓવરલોડ જથ્થો ભરીને બેફામ રીતે દોડતા વાહનોની સમસ્યા લાંબા સમયથી ઉમલ્લા પંથકમાં દેખાય છે અને આને લઇને ઘણીવાર વિવાદ પણ ઉભા થયા હતા,પરંતું પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રેતીની લીઝો વાળા સાથે સાઠગાંઠ હોવાની શંકા વચ્ચે આ બધુ બેરોકટોક ચાલે છે. જોકે કેટલીકવાર તંત્ર દ્વારા આવા વાહનો ઝડપીને જરુરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતું ત્યારબાદ બધુ રાબેતા મુજબ થઇ જતું હોવાથી કોઇ પરિણામ કાયમી ધોરણે નથી મળતું તેથી તંત્ર આવા વાહનોને છાવરતું હોવાની ચર્ચાઓ પણ જોવા મળે છે. ઉમલ્લા પોલીસ મથકના જીઆરડી તથા ટીઆરબી કર્મીઓ મોટા પ્રમાણમાં ઉમલ્લાના હદ વિસ્તારમાં ફરજ બજાવતા જણાઇ રહ્યા છે ત્યારે તેમની સલામતી જોખમાય તે બાબત સ્વાભાવિક છે,ઉમલ્લા બજારમાંથી પસાર થતા વાહનોથી બજાર તેમજ રેલવે ફાટક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે,અને તેને લઇને અન્ય વાહનચાલકો અને જનતાને તકલીફ પડે છે.

રિપોર્ટ.નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)