એક જ સપ્તાહની અંદર નવસારી કૃષિ યુનિવર્સિટીએ બીજી વખત રાષ્ટ્રીય સન્માન મેળવીને નવસારીને ગૌરવાન્તિત કર્યું છે. નવી દિલ્હી ખાતે આયોજીત સમારોહમાં દેશની અગ્રિમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને વરસાદી પાણીના સંરક્ષણ માટે કરેલા અથાગ પ્રયત્નો બદલ ‘જળ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન એનાયત કરાયું છે.જળ શક્તિ મંત્રાલયના નેજા હેઠળના આ વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરી, શ્રી રવનીત સિંહ બિટ્ટુ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આટલું બહુમૂલ્ય સન્માન મળતા નવસારી કૃષિ યુનિવર્સિટીએ જળ સંચય અને સંરક્ષણ ક્ષેત્રે કરેલા અદ્ભુત પ્રયાસોને રાષ્ટ્રીય ઓળખ મળી છે.
મહત્વનું છે કે, કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે યુનિવર્સિટીના એક હજાર એકરના ફાર્મમાં ૮ જેટલા તળાવોને ઊંડા કરાવવામાં અંગત રસ લઈને યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વૈજ્ઞાનિકો સાથે તાલમેલ સાધી વરસાદી પાણી વહી જતું અને વ્યર્થ જતું અટકાવવા માટે અસરકારક પગલા લીધા છે. તેઓએ જમીન સુધારણા અને જળ સંચય-સંરક્ષણ માટે ૯*૯ ફૂટનો શોષક ખાડો બનાવીને પાંચ બોર કરીને ફિલ્ટર લગાવ્યું છે, જેના કારણે નવસારી પંથકમાં થતા અનરાધાર વરસાદમાંથી અંદાજે ૨૫ લાખ લીટર પાણીને બરબાદ થતું બચ્યું છે. આ પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળના સ્તર ઉપર લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૪૦ જેટલા ટ્યુબ વેલ ધરવતા કેમ્પસમાં ભૂગર્ભ જળ સ્તર સુધારણા તથા વરસાદી જળ સંચય અને સંરક્ષણ દ્વારા સિંચાઈ માટે યોગ્ય પાણીની ઉપલબ્ધતા પણ વધી છે. ડો. ઝેડ. પી. પટેલે આગામી સમયમાં આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની નેમ જાહેર કરવા સાથે આ ઉમદા કાર્ય અને સિદ્ધિ માટે યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વડા ડો. વિકાસ આર. નાયક અને તેઓની સમર્પિત ટીમના સભ્યોના સઘન પ્રયાસો અને મહેનતને હૃદયપૂર્વક બિરદાવી હતી.
નોંધનીય છે કે, ગત ૧૩ ડિસેમ્બરે જ આસામના ગૌહાટી ખાતે યોજાયેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્કલેવમાં, તેઓના માર્ગદર્શન હેઠળ વિકસાવાયેલ ‘એગ્રીકલ્ચરલ એક્ષ્પેરીમેન્ટ મોનિટરીંગ સિસ્ટમ’ એપ્લીકેશન બદલ યુનિવર્સિટીને ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન નેશનલ એવોર્ડ’ એનાયત થયો હતો. આમ, એક જ અઠવાડિયામાં કૃષિ યુનિવર્સિટીએ બીજુ રાષ્ટ્રીય સન્માન મેળવતા નવસારી કૃષિ યુનિવર્સિટી સહિત સમગ્ર નવસારીમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)