ખેરગામ.
વલસાડના કલવાડામાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ, નવસારીની ટીમ ચેમ્પિયન
મૂક બધિર ખેલાડીઓએ રાજકીય પિચના અનુભવી ખેલાડી નરેશભાઈને ક્રિકેટની પિચ પર રમવા માટે આગ્રહ કરતાં નરેશભાઈ પણ લાગણીવશ થઈ રમવા લાગ્યા.
કુદરતે દરેક માણસમાં કોઈને કોઈ ખૂબી ભરી હોય છે. ત્યારે જેઓ બોલી કે સાંભળી શકતા નથી એવા મૂક બધિરો પણ દુનિયા સાથે તાલ મિલાવી શકે એ માટે કછોલી ગાંધીધામ મિત્રમંડળ દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડના કલવાડા ખાતે રવિવારે મૂક બધિરોની વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં મૂક બધિરોના વિશેષ આગ્રહને કારણે ગણદેવીના ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ મૂક બધિરો સાથે મેદાન ઉપર વિશેષ ગમ્મત કરી હતી. એ જોઈ મૂક બધિરો ખુશ થઈ ગયા હતા.આ ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જામી હતી.
વલસાડના કલવાડા ગામે આવેલા ડીઝેડસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કછોલી ગાંધીધામ મિત્રમંડળ દ્વારા સાઉથ જિલ્લા ક્રિકેટ મૂક બધિર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સેલવાસ, વલસાડ, પાલઘર , સુરત, ભરૂચ, નવસારી અને તાપી જિલ્લાના મૂક બધિરોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યાં હતાં. માત્ર મૌનની પરિભાષામાં આયોજિત આ ક્રિકેટ મેચ જોનારાઓ મૂક બધિરનું કૌશલ્ય જોઈને ચકિત થઈ ગયા હતા. આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જામી હતી. ક્રિકેટર્સનો ઉત્સાહ વધારવા માટે પૂર્વ મંત્રી અને હાલના ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
મૂક બધિર ખેલાડીઓએ રાજકીય પિચ પર અનુભવી ખેલાડી નરેશભાઈને ક્રિકેટની પિચ પર રમવા માટે આગ્રહ કરતાં નરેશભાઈ પણ લાગણીવશ થઈ રમવા લાગ્યા હતા.એ જોઈ મૂક બધિરોએ ખુશી વ્યક્ત કરી હતી.સાથે નરેશભાઈએ મેદાન બહાર શેરડીના કોલા ઉપર મૂક બધિરો સાથે શેરડીનો રસ પી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નવસારી અને વલસાડ વચ્ચે રમાઈ હતી.જેમાં નવસારીની ટીમે પ્રથમ બેટિંગ કરી 6 ઓવરમાં 40 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેના જવાબમાં વલસાડની ટીમ 38 રન કરી સમેટાઈ જતા નવસારી મુક બધિર ટીમ ચેમ્પિયન બની હતી.
આ પ્રસંગે દાતાઓ વાડના સામાજિક અગ્રણી દિનેશભાઈ,ખેરગામના ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ પટેલ,ખેરગામ સરસિયાના મુકેશભાઈ પટેલ,ચેતનભાઇ પટેલ,સુરજભાઈ પટેલ મૂક બધિરો માટે સહભાગી થયા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ટીમને ટ્રોફી અને રોકડ ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેલાડીઓનું ડિસિપ્લિન જોઈ ધારાસભ્ય પ્રભાવીત
આ પ્રસંગે નરેશભાઈએ જણાવ્યું હતું કે, આજે જ્યારે વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના મૂક બધિરોની આઠ જેટલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમના આગ્રહને કારણે હું હાજર રહ્યો હતો. તેમનો ઉત્સાહ જોયો. તેમની પાસેથી બોલી શકતા એવા ખેલાડીઓએ પણ પ્રેરણા લેવી પડે એ પ્રકારનું ડિસિપ્લિન જોવા મળ્યું હતું. સંયમ રાખીને તેઓ જે રીતે ક્રિકેટ રમી રહ્યા છે ત્યારે આ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.ભગવાનને પ્રાર્થના કરું છું કે હંમેશાં તેમના ઉપર વિશેષ આશિષ રહે.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)