જૂનાગઢ તા. 28:
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની વિશેષ પહેલ પર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સમગ્ર દેશમાં અમલમાં લાવવામાં આવશે. આ અભિયાન ૨૯ મે, ઓડિશાના પુરીથી ઉત્સાહભેર શરૂ થશે, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પોતાના સંકલ્પ સાથે ૧૫ દિવસ સુધી ૨૦ રાજ્યોની મુલાકાત કરશે.
અભિયાન અંતર્ગત દેશભરના ૨૧૭૦ ટીમો દ્વારા ૭૦૦થી વધુ જિલ્લાઓ, ૬૫ હજારથી વધુ ગામડાઓ અને લગભગ ૧.૫ કરોડ ખેડૂતો સુધી પહોંચી માહિતી અને માર્ગદર્શન આપાશે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ખેડૂતોને પાક સંબંધિત આધુનિક ટેકનોલોજી વિશે જાગૃતિ લાવવામાં આવશે, સાથે જ તેમને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે અને સરકારી યોજનાઓ અને નીતિઓ અંગે માહિતગાર કરવામાં આવશે.
ખરીફ સિઝનમાં ફાયદાકારક પાકોની પસંદગી અને સંતુલિત ખાતરોના ઉપયોગ અંગે પણ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળશે.
આ અભિયાન ભારત સરકારના “લેબ ટુ લેન્ડ” પ્રોજેક્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત વિઝનની સફળતા માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ અભિયાને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, રાજય સરકારો, 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK), 113 ICAR વિભાગો, તેમજ વિવિધ કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ સંસ્થાઓ સહયોગ આપશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ