કેશોદના અજાબ ગામે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની

કેશોદ

કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢી થી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસ ના વાહન સાથે દશમી ઓક્ટોબર થી બેસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર પછી શરૂ થયેલાં વરસાદથી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ના રંગમાં ભંગ પડયો હતો ત્યારે ખેડૂતો ની મગફળી જે જમીનમાં થી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતો ને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. રાજય સરકાર અને હવામાન વિભાગ દ્વારા સમયાતંરે વરસાદ વાવાઝોડાની માહિતી સ્થાનિક તંત્ર ને પહોંચાડી સલામતીની કાર્યવાહી હાથ ધરવા અને સામાન્ય નાગરિકો ને સચેત કરવા આપવામાં આવે છે ત્યારે કમનસીબે સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય અભણ અને ટેકનોલોજી વંચિત નાનાં ખેડૂતો ખેતમજૂરો સુધી માહિતી પહોંચાડી સચેત કરવામાં ન આવતાં નુકસાની નો ભોગ બન્યા છે. કેશોદના અજાબ ગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓ નો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે. ખેતરોમાં મગફળી કાઢી લીધાં બાદ વરસાદ આવતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં રહેલી મગફળી કાઢવા ટ્રેકટર કે અન્ય વાહનો નો ઉપયોગ થઈ શકે એમ નથી ત્યારે બળદો મારફતે ખેતીકામ જુજ ખેડૂતો કરી રહ્યાં છે એવામાં જમીનમાં રહેલી ઘણીખરી મગફળી સડી જવાની સંભાવના વધી રહી છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસ ના વાહન સાથે તારીખ ૨૨/૧૦/૨૦૨૪ સુધી વાયુમંડળમાં રહેશે જે આવનારા સપ્તાહમાં કેટલી નુકસાની કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)