કેશોદ
કેશોદ શહેરમાં છેલ્લાં દશેક દિવસથી અનરાધાર વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવતાં અને કેશોદના ચારચોક રેલ્વે ફાટક પર અંડર બ્રીજ નું કામ ચાલતું હોય ઉપરાંત કેશોદમાં મધ્યમાં થી પસાર થતી ટીલોળી નદી અને ઉતાવળીયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહે છે.
કેશોદના પુર્વ વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળા નીચેથી પસાર થવું પડે છે ત્યારે નદીમાં ઘોડાપુર આવતાં ઘસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતાં વાહનચાલકો હેરાનગતિ નો ભોગ બની રહ્યાં છે.
ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલાં ખાડાઓ વહેતાં પાણીમાં ધ્યાને ન આવતાં વાહનચાલકો સંતુલન ગુમાવી પડવાનાં બનાવો બની રહ્યાં છે ત્યારે નિર્ભર તંત્રનાં પેટનું પાણી હાલતું નથી. અધુરામાં પુરુ હોય એમ માથાભારે ફોર વ્હીલર કાર ચાલકો વહેતાં પાણી વચ્ચે પોતાની ફોર વ્હીલર કાર ઉભી રાખી બિન્દાસ પણે ધોવે છે જેના કારણે વાહનચાલકો ને અડચણ ઉભી થાય છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં પુર્વ પોલીસ ઈન્સપેકટર બી બી કોળી દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનો ને પ્રવેશબંધી ફરમાવી લાઈટ વ્હીકલો માટે પાનદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગ્લર્સ હાઈસ્કૂલ પાસેથી મેઈન રોડ પર આવવાની વ્યવસ્થા ઉભી કરી વનવે બનાવ્યાં હતાં કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવતાં લાંબી લાંબી કતારો થાય છે. કેશોદ શહેરની અડધી વસતી પુર્વ દિશામાં વસવાટ કરે છે ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલ્વે ગરનાળા નો ઉપયોગ કરવો પડે છે. ચોમાસાના ત્રણેક મહિના હજુ બાકી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહિ આવે તો કોઈ નિર્દોષ વાહનચાલક આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે….
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)