કેશોદના જોનપુર ગામે ખેતરોમાં થયેલ નુકસાની સરવે કરી સહાય આપવા માંગ ઉઠી.

કેશોદ

કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત,સાબળી, ઉતાવળીયા, ટીલોળી,નોરી બડોદરી નદીની જળસપાટી ચોમાસામાં ભારે વરસાદને કારણે વધી જતાં ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવતાં અચાનક ઘોડાપુર આવવાની સાથે દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી દરિયામાં ભળી ન શકતાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ઉભાં પાકને ભારે નુકશાન થતાં ખેડૂતો પાયમાલ થાય છે. કેશોદ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૭૨℅ સીઝનનો વરસાદ નોંધાયો છે એના પરથી ખેડુતોની તારાજી નો આછેરો અંદાજ સામાન્ય વ્યક્તિ ને પણ આવી શકે છે. કેશોદ પંથકમાં ખેડૂતો ને અતિવૃષ્ટિના વળતર માટે સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં પક્ષપાતી વલણ રાખવામાં આવ્યું હોવાનું કેશોદના ઘેડ વિસ્તારની અડોઅડ મોટી નદીઓના કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો રોષપૂર્વક આક્ષેપ કરી રહ્યાં છે. કેશોદના જોનપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોને સરકારી સહાય આપવા માટે ખેતરોમાં પાણી ભરેલાં હતાં ત્યારે રોડ સડક ને કાંઠે ઉભી જવાબદાર અધિકારીઓ દ્વારા આડેધડ સરવે કરી લાગતા વળગતા શ્રીમંત ખેડુતોને ઘી કેળા પીરસી નાના અને મધ્યમ વર્ગના ખેડુતોને અન્યાય કરવામાં આવ્યો હોવાનો રોષ ઠાલવે છે. કેશોદ પંથકમાં છેલ્લાં ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે અને સંપર્ક વિહોણા ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક થયો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં સાચી નુકસાની નો સરવે અંદાજ હવે આવે એમ છે ત્યારે નંબર વન બનવાની હોડમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ની મીલીભગતથી બંધબારણે સરવે કરી રીપોર્ટ મોકલી પક્ષપાત કરવામાં આવ્યો હોવાનું દુઃખી પીડીત ખેડૂતો વ્યથા ઠાલવે છે. ખેડૂતોના ખેતરમાં ૨૦℅ થી ૨૫℅ નુકસાની ની સહાય, ૩૦℅ થી ૩૫℅ નુકસાની ની સહાય અને ૩૫℅ થી ૬૦℅ નુકસાની ની સહાય ચુકવવાની રકમ વર્ષ ૨૦૨૦ મા સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અને પાક વીમાના પ્રિમીયમ માફ કરવામાં આવેલ હતાં અને રૂપાણી સરકાર ની પેકેજ જાહેરાત થી નાનાં મધ્યમ વર્ગના ખેડુતોને ફાયદો થયો હતો. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીઓ યોજાવાની છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડુતોનો રોષ સતાધારી પક્ષના કપડાં કાઢી નાખે તો નવાઈ નહીં રહે. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પુરનું પાણી હવે ઓસર્યા છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ ની મેલી મુરાદ થી સરવે કરવામાં વંચિત રહેલા ખેડુતોને ઝડપથી સરવે કરવામાં આવે તો ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એમ છે ત્યારે પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ખેડુતોને ન્યાય અપાવશે ખરાં……..?

સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં અને જુનાગઢ જીલ્લામાં સહાય ચૂકવવાના માપદંડ પણ જુદાં જુદાં નક્કી કરવામાં આવ્યાં છે ત્યારે કેશોદના ઘેડ પંથકના ખેડૂતો પુરુ વળતર મેળવી ન શકતાં પડયા પર પાટું સમાન સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે માથે ઘમચા બાંધી ખેડૂતોના બેલી હોવાના દેખાવ કરી ફાકાબાજી કરતાં આગેવાનો નેતાઓ સરકારના નિર્ણય અને આડેધડ કરવામાં આવેલ સરવે વિરુદ્ધ ખેડુતોની વ્યથાને વાચા આપી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા આગળ આવશે ખરાં…!

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)