કેશોદમાં આન,બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

કેશોદ

દેશભરમાં આજે ૭૮મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદના મોવાણા ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસ નિમિતે ધ્વજવંદન ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં અને શહેર તાલુકામાં વિવિધ સરકારી અર્ધસરકારી કચેરીઓ, વિવિધ શાળા, કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. કેશોદના મોવાણા ગામે તાલુકા કક્ષાના યોજાયેલા સ્વતંત્રતા પર્વ નિમિત્તે મામલતદાર સંદીપ મહેતાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. કેશોદના મોવાણા ગામે યોજાયેલા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઈન્સપેકટર સહિત રાજકીય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંગકસરતના દાવ, દેશભક્તિ ના ગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. મંચસ્થ મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટ ના દિવસને ઉજવવામાં આવે છે. ઇ. સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામી માંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

15 ઓગસ્ટે 200 વર્ષ સુધી ભારત પર રાજ કરનાર બ્રિટિશ પ્રભુત્વનો અંત આવ્યો હતો. આ દિવસે તે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વશાસન, સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની શરૂઆતની નિશાની છે. તે ભારતીય લોકોની પોતાનું ભાગ્ય નક્કી કરવાની અને દેશના ભાવિને આકાર આપવાની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2002 પહેલા ભારતના સામાન્ય લોકોને સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ સિવાય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી નહોતી. આ પછી સુપ્રીમ કોર્ટે 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો હતો અને જનતાને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો સહિત તમામ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ એક પેડ મા કે નામ હેઠળ રેન્જ ફોરેસ્ટર ગુલાબબા સુવાગીયા ની રાહબરી હેઠળ વૃક્ષારોપણ ઉપરાંત રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક ડૉક્ટર ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું.કેશોદ શહેરમાં દુકાનો ઘરો અને વાહનોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યાં છે ત્યારે સમગ્ર કેશોદ શહેર રાષ્ટ્રભક્તિ ના રંગે રંગાઈ ગયું છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)