કેશોદમાં કૃષ્ણ સંકિર્તનાલય પ્રાણ પ્રતિષ્ઠા તિથી ઉજવણી પ્રસંગે 24 કલાક અખંડ ધૂન યોજાઈ

કેશોદના રામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ સંકીર્તનાલય મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તિથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર સેવકો દ્વારા 24 કલાક હરે રામ હરે કૃષ્ણ ધૂનનું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજર રહી ધૂનમાં ભાગ લીધો હતો. આ ધુનમાં આસપાસના ગામડાઓના ધૂન મંડળોએ ભાગ લીધો હતો. કેશોદના રામનગર ખાતે આવેલ કૃષ્ણ સંકિર્તનાલય મંદિરની 57 વર્ષ પહેલાં આલીધ્રા બ્રહ્મચારી બાપુ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના બાદ બ્રહ્મચારી બાપુના શિષ્ય રામદાસ વલ્લભજીભાઈ કાટકોરિયાએ નવું મંદિર બાંધી આપ્યું હતું.

આ મંદિરનું બે વખત સમારકામ કરવામાં આવ્યું હતું. જે તે સમયે મંદિર સંચાલકો દ્વારા શહેરના જાહેર માર્ગો પર વહેલી સવારના પ્રભાત ફેરી યોજવામાં આવતી હતી. મંદિરની સ્થાપના થી લઇ અત્યાર સુધીમાં રોજ રાત્રિના 9 થી 10 એક કલાક ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવે છે જ્યારે વર્ષ દરમ્યાન એક વખત 24 કલાક રામધૂનનું આયોજન થાય છે. એવી જ રીતે આ મંદિરને 57 વર્ષ પૂર્ણ થતાં 24 કલાકની અખંડ રામધૂન યોજવામાં આવતાં મોટી સંખ્યામાં સેવકો ભાઈઓ – બહેનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)