કેશોદમાં નવરાત્રી મહોત્સવમાં પશ્ર્ચિમી સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિરોધી તત્વો ના પ્રવેશનો વીએચપી વિરોધ કરશે.

કેશોદ

કેશોદ વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દુર્ગાવાહીની દ્વારા નવરાત્રી મહોત્સવમાં પશ્ર્ચિમી સંસ્કૃતિ સાથે રાસ ગરબા ન રમવા અને આયોજકો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ નો વિરોધ કરનારા સનાતન ધર્મ માં આસ્થા કે શ્રધ્ધા ન ધરાવતાં ખૈલયાઓને પ્રવેશ ન આપવા અપીલ કરી આહવાન કર્યું છે. જુનાગઢ જીલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદના મંત્રી અને કેશોદ તાલુકા વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કામરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આજકાલ નવરાત્રી મહોત્સવ ને દયનીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ સ્વરૂપ દ્વારા નિર્માણ થયેલી હાનિ ન રોકવી અર્થાત્ તે હાનિ દ્વારા નિર્મિત પાપમાં સહભાગી થવું. ધર્મવિષયક કૃતિ કરવાનો અર્થ છે ધર્મપાલન કરવું તેમજ ધર્મજાગૃતિ માટે પ્રયાસ કરવો. સાર્વજનિક ઉત્સવોમાં થનારા અનાચાર રોકવા વર્તમાન સમયમાં આવશ્યક એવું ધર્મપાલન જ છે.મહિષાસુરનો નાશ કરવા માટે અવતાર લેનારી શ્રી દેવીનો ઉત્સવ જ નવરાત્રિ છે. આ ઉત્સવમાં હિંદુઓને દેવીતત્વનો અહેસાસ થાય છે; પણ વર્તમાનમાં નવરાત્રી મહોત્સવને જે વિકૃત સ્વરૂપ મળી રહ્યું છે, તેને કારણે દેવીતત્વનો લાભ મળવાનું તો એક બાજુ પર રહ્યું; પરંતુ તેની પવિત્રતા પણ ઘટી ગઈ છે. ઉત્સવમાં થતાં ગેરપ્રકારો રોકીને તેની પવિત્રતા જાળવી રાખવી એ કાળ અનુસાર આવશ્યક ધર્મપાલન છે.

ગરબો એટલે ભગવાનની સામૂહિક નૃત્યોપાસના છે; એટલા માટે – ચિત્રપટ ગીત, રિમિક્સ ગીતો અથવા પશ્ચિમી સંગીત મૂકવાને બદલે દેવીના ગરબાના તાલ પર ગરબા લેવા જોઈએ. અશ્લીલ હાવભાવ કરીને ડિસ્કો-ડાંડિયા કરવાને બદલે પારંપારિક રિવાજ પ્રમાણે ડાંડિયા રમવા જોઈએ. સ્ત્રી-પુરુષોએ ઉત્તેજક પહેરવેશ અને એકત્રિત નૃત્ય ન કરવું જોઈએ. નવરાત્રી મહોત્સવ મંડળો આયોજકો નો ઉત્સવોનો મુખ્ય ઉદ્દેશ લોકોની ધાર્મિક વૃત્તિને આવાહન કરીને તેનું પોષણ કરવું; પણ આજના ઉત્સવનું સ્વરૂપ ભોગવાદી અને વેપારી વૃત્તિઓને ઉત્તેજિત કરનારું બની ગયું છે. ઉત્સવોને મળેલા આ સ્વરૂપમાં પરિવર્તન લાવવા માટે સાર્વજનિક રૂપથી ઊજવવામાં આવતા ઉત્સવનું બહાનું કરીને સમાજ મોટાપાયે એકત્ર આવે છે. આ બાબત ધ્યાનમાં રાખીને રાષ્ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. જમા થનારી નિધિનો ઉપયોગ અધ્યાત્મપ્રસાર, ધાર્મિક અને સામાજિક કાર્યો માટે કરો. આ ફાળા દ્વારા આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાયતા કરવી, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને અપંગોની સહાયતા કરવી, વાચનાલય બનાવવું ઇત્યાદિ લોકહિતાર્થ યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ.

ગરબાની પવિત્રતા જાળવવાને બદલે આજે ગરબા (સામૂહિક નૃત્યોપાસના) નું સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે. અશ્લીલ ગીતો, ઉત્તેજક પહેરવેશ અને વિજ્ઞાપનો જેવા વિષયોને કારણે પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી ગયો છે. ગરબો માતૃશક્તિનું તેમજ દાંડિયા માં રહેલા દાંડિયા, દેવીનાં હાથનું ખડ્ગનું પ્રતીક છે. પહેલાં સદર નૃત્યમાં કેવળ દેવી, કૃષ્ણલીલા અને સંતોના ગીતો જ ગાવામાં આવતા હતા. કેશોદ વિશ્ર્વ હિન્દુ પરિષદના હોદેદારો અને કાર્યકરો દ્વારા પહેલ કરવામાં આવી છે ત્યારે નવરાત્રી મહોત્સવ ના આયોજકો મંડળો દ્વારા સહયોગ આપવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)