કેશોદમાં ભારે વરસાદને કારણે દિવાલ તુટવાનો અને પુલ ધોવાઈ જવાની ઘટના બની.

કેશોદ

કેશોદ પંથકમાં છેલ્લાં ચોવીસ કલાકમાં બાર ઈચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ છત્રીસ ઈચ જેટલો નોધાયો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન ની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં ન આવતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે રહીશોની માલમિલ્કત ને નુકસાન પહોચ્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગઈકાલે સાંજે થી શરૂ થયેલાં એકધારા વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઘોડાપુર આવતાં નદી નાળાં વોંકળા ના વહેણમાં અને વરસાદી પાણીના નિકાલની જગ્યાએ થયેલાં આડેધડ બાંધકામ દબાણોને કારણે પાણી નદી વોંકળા કાંઠે આવેલી સોસાયટીમાં પાણી ગોઠણડુબ ભરાઈ ગયાં છે.

કેશોદના ચારચોક રેલ્વે ફાટક પર બનતાં અંડર બ્રીજ ના કારણે અને વરૂડીમા ની ગાળીમાં ભૂંગળા નાખવામાં આવતાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી સહેલાઈથી નીકળી ન શકતાં સોસાયટીમાં જળબંબાકાર ની સ્થિતિ નિર્માણ પામી છે. કેશોદના જુના ભારત મીલની દિવાલ ધરાશાયી થતાં પીજીવીસીએલ ના વાયરો ત્થા મેટાડોર ને નુકસાન થયું છે સદનસીબે અન્ય કોઈ જાનહાની થઈ નથી. કેશોદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખવામાં આવ્યા છે અને તાજેતરમાં રીસર્ફેશીગ ના નામે બનાવવામાં આવેલ ડામર રોડ ખોદકામ કર્યા વગર સીમેન્ટ રોડ પર બનાવી નાખવામાં આવતાં પાણી ભરાઈ જવાથી ડામર રોડ તોડી પાણીના નિકાલ કરવા પડ્યાં છે અને સમૃદ્ધ વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડિંગો ના વરસાદી પાણીના ભૂગળાઓ જાહેર માર્ગ પર હોય રસ્તાઓ તુટી જવાને કારણે ખાડાઓ પડતાં વાહનચાલકો પરેશાન થવાની સાથે નાનાં મોટાં પડવાનાં બનાવો બન્યાં છે.

કેશોદમાં થી પસાર થતાં નેશનલ હાઈવે રોડ અને સ્ટેટ હાઇવે રોડ કેશોદ નગરપાલિકા એ સંભાળ્યાં બાદ પુલની બન્ને બાજુનાં માટીના પુરાણો દુર કરવામાં ન આવતાં પાણી ભરાઈ ગયાં છે. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે કોઝવે પુલની ભય સપાટી થી વધારે પાણી પસાર થતાં સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ ગયાં છે. કેશોદના અમૃતનગર મેઈન રોડ પર લક્ષ્મીનગર જોલી પાર્ક તરફ જવાના રસ્તામાં આવેલ ટીલોળી નદી પર આવેલ પુલ પર પુરના કારણે વરસાદી પાણી સહેલાઈથી પસાર ન થઈ શકતાં પુલની સાઈડમાં ધોવાણ થઈ જતાં મસમોટું ગાબડું પડયું છે અને વાહનચાલકો પરેશાની નો ભોગ બન્યાં છે ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા સલામતિ માટે ચેતવણી દર્શાવતાં બોર્ડ કે બેરીકેટ મુકવામાં ન આવતાં ફરીથી પુર આવશે તો કોઈ નિર્દોષ રાહદારી કે વાહનચાલક આકસ્મિક ઘટના નો ભોગ બને તો નવાઈ નહિં લાગે.

ગઈકાલે સાંજે થી શરૂ થયેલાં વરસાદને કારણે બજારો બંધ જેવી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી બંધ થયેલાં રસ્તાઓ ને કારણે એસટીનાં સંખ્યાબંધ રૂટ કેન્સલ કરવા પડયાં છે. કેશોદ નજીક પસાર થતી ઓઝત નદી અને સાબળી નદીમાં ઘોડાપુર આવવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યાં છે કેશોદ વંથલી માંગરોળ તાલુકાઓ ના નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારના રહીશો ને બિનજરૂરી આવજા ન કરવા ચેતવણી આપવામાં આવી છે. કેશોદ પંથકમાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર દ્વારા સલામતી ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)