
કેશોદમાં બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત સાતમો બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે ૧૯ નવદંપતિઓએ બૌદ્ધ પંથની પરંપરાગત પંચશીલ વિધિ અનુસાર લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો. લગ્નવિધિ અશોકભાઈ શ્રીમાળી, અનિલભાઈ પરમાર અને માતા રમાબાઈ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.
સાંજે ૬ વાગ્યે જાન આગમન થતા સમૂહ લગ્નોત્સવનું શુભારંભ થયો હતો. સમગ્ર સમારંભ બૌદ્ધ ધર્મના આદર સાથે પારંપરિક પદ્ધતિ અનુસાર યોજાયો હતો. નવદંપતીઓને દાતાઓના સહયોગથી સોનાં-ચાંદીનાં દાગીનાં, ઘરવપરાશની ચીજવસ્તુઓ, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ભેટરૂપે આપવામાં આવી હતી.
આ અવસરે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, કેશોદ માર્કેટિંગ યાર્ડના હમીરભાઈ તથા પુંજાભાઈ બોદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. સમિતિ દ્વારા સુંદર સમૂહ ભોજનની વ્યવસ્થાપન કરાયું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કેશોદ બૌદ્ધ સમૂહ લગ્નોત્સવ સમિતિના હોદેદાર, કાર્યકરો તેમજ માતા રમાબાઈ મહિલા મંડળની બહેનો દ્વારા જહેમતપૂર્વક કરાયું હતું.
અહેવાલ: રાવલિયા મધુ – કેશોદ