કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા રજુઆત.

કેશોદ

કેશોદ શહેર મધ્યે પસાર થતાં મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતાં ભટકતાં પશુઓનાં ત્રાસથી શહેરીજનો ને મુક્ત કરાવવા કોગી આગેવાન ભરતભાઈ લાડાણી ની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતાં ભટકતાં પશુઓ અડીંગો જમાવીને બેઠાં હોય છે અને વાહનચાલકો રાહદારીઓ ને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં એક હજારથી વધારે રખડતાં ભટકતાં નધણીયાતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતાં હોય જેઓને કારણે છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે.

કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં આખલાઓ ને કારણે શહેરીજનો વેપારીઓ ની માલ મિલ્કત ને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બને છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા વહેલાસર નામદાર હાઈકોર્ટ ના હુકમની અમલવારી કરાવવામાં આવે એવી માંગણી કરી છે. કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ઉભાં રહેતાં ફેરિયાઓ અને પથારાવાળા દ્વારા બગડેલા ખાધ પદાર્થો ફેકવામાં આવતાં હોય પુરતો ખોરાક મળી જતો હોય રોડ પર વધારે પશુઓ જોવા મળે છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો ની ટીમ બનાવી રોડ પર બેસી રહેતાં પશુઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ બિમાર પશુઓને સારવાર આપી છોડી દેવામાં આવતાં અને દુધ આપવાનું બંધ કરી દેતાં દુઝાણા પશુઓને પશુપાલકો દ્વારા છોડી દેવામાં આવતાં શહેરમાં રખડતાં ભટકતાં પશુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શ્ર્વાન અને આખલાઓ નું ખસીકરણ કરવામાં પશુ ડોકટરો ની ટીમ સાથે બંદોબસ્ત માગવામાં આવતો હોય બંન્ને કચેરીઓ નું સંકલન થતું ન હોવાથી ઘણાં વર્ષોથી ખસીકરણ કાર્યક્રમ કેશોદ શહેરી વિસ્તારમાં થઈ શક્યો નથી. કેશોદ નગરપાલિકા દ્વારા રખડતાં ભટકતાં નધણીયાતા પશુઓ માટે શું નકકર કાર્યવાહી કરવામાં આવે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)