કોડીનાર તાલુકાના મઠ રોડ પર ડામર પેચ વર્ક શરૂ.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં રહેલા મઠ ગામના અપ્રોચ રોડ પર હાલ ડામર પેચ વર્કની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોનું યોગ્ય જાળવણી અને વાહનવ્યવહાર સરળ બની રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ વિવિધ વિસ્તારોમાં કામકાજ હાથ ધરવામાં આવી રહ્યા છે.

મઠ ગામને જોડતો મહત્વનો આ રોડ ભારે વરસાદના કારણે ભારે ખાડાઓથી ભરાઈ ગયો હતો, જેને પગલે સ્થાનિકોને દૈનિક જમાવટમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને ડામર પેચિંગ કાર્ય શરૂ કર્યું છે, જેમાં કપચી અને ડામરના મિશ્રણ વડે ખાડાઓને સમારવામાં આવી રહ્યા છે.

આ કામગીરીને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે સમયસર સમારકામથી હવે વાહનવ્યવહાર ફરીથી સરળ બનશે અને અકસ્માતની સંભાવનાઓ ઘટશે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ