ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન : સહાય, યોજનાઓ અને જાગૃતિ કાર્યક્રમો કાર્યરત.

જૂનાગઢ તા.૨૧ : ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ, સહાય અને જાગૃતિ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

વિશેષજ્ઞોના મતે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો અતિરેક જમીનની કુદરતી ઉત્પાદન ક્ષમતા ઘટાડે છે અને ઉપજ માનવ આરોગ્ય માટે જોખમકારક બને છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક વ્યાવહારિક વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

👉 ખાસ વાત એ છે કે, ૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે માત્ર એક દેશી ગાયનું ગૌમૂત્ર અને છાણ પર્યાપ્ત હોય છે. નાના ખેડુતો માટે આ ખેતી ખાસ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ મોડેલના પાંચ સ્તંભ:

  1. બીજામૃત – બિયારણને જીવાણુયુક્ત બનાવવાનું મિશ્રણ

  2. જીવામૃત – ગૌમૂત્ર, છાણ, ગોળ, બેસન, પાણીનું પોષક મિશ્રણ

  3. વાપ્સા – પાણી અને હવાના સંતુલનથી ભેજનું સંચાલન

  4. આચ્છાદન – જમીન ઢાંકી રાખી ભેજ, કાર્બન અને પાણી જાળવવું

  5. મિશ્ર ખેતી – સહજીવી પાક સાથે ઉત્પાદનક્ષમતા વધારવી

આ ઉપરાંત પાક સંરક્ષણ માટે દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર જેવી ઘરેલુ રીતો અપનાવવામાં આવે છે, જેમાં કોઈપણ ઝેરી રસાયણનો ઉપયોગ થતો નથી.

સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સહાય યોજનાઓ અમલમાં મૂકી રહી છે. વળી આરોગ્યપ્રદ, ઝેરમુક્ત ઉત્પાદનો માટે બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં આ પદ્ધતિ અપનાવવાનો ઉત્સાહ વધી રહ્યો છે.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ