ગણેશ વિસર્જનમાં સુરત પોલીસના અધિકારીઓ સહિત 16 હજારથી વધુ જવાનો તહેનાત રહેશે.

સુરત :

સુરતના વિવિધ વિસ્તારોમાં પ્રસ્થાપિત 85 હજારથી વધુ ગણપતિની નાની-મોટી પ્રતિમાની વિસર્જન યાત્રા આગામી મંગળવારે નીકળશે ત્યારે તે નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.16 હજારથી વધુ પોલીસ જવાનો સાથે એસઆરપીની 11 કંપની તહેનાત રહેશે.વીતેલા વર્ષની જેમ પોલીસ મોટી મૂર્તિઓમાં જીપીએસ સિસ્ટમ રાખી તેને ટ્રેક કરશે.

સુરતવાસીઓનો મનગમતો ગણેશોત્સવ આ વર્ષે ભારે ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે.સુરતમાં અંદાજીત 85 હજારથી વધુ શ્રીજીની નાનીમોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.જોકે, સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ આગામી મંગળવારે યોજાનારી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.વિસર્જન યાત્રા અંગે માહિતી આપતા સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું કે સુરત પોલીસના કમિશનર, એક સ્પેશ્યલ પોલીસ કમિશનર, ત્રણ જોઈન્ટ પોલીસ કમિશનર, 16 ડીસીપી, 34 એસીપી, 130 પીઆઈ, 320 પીએસઆઈ, શહેર પોલીસના 6800 જવાનો, 7000 હોમગાર્ડના જવાનો, 1600 ટીઆરબીના જવાનો મળી કુલ 15905 પોલીસકર્મી તૈનાત રહેશે.તેમની મદદમાં એસઆરપીની 11 કંપની રહેશે.

અહેવાલ :અશ્વિન પાંડે (સુરત)