જૂનાગઢ:
ગિરનાર પર્વતના સર્વાંગી વિકાસ માટે જૂનાગઢના વિખ્યાત સાધુ-સંતો અને શહેરના અગ્રણીઓએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી અને અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ બેઠકમાં ભારત સાધુ સમાજના પ્રમુખ પ.પૂ. મુક્તાનંદ બાપુ, ત્રિલોકનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજી બાપુ, ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ, તેમજ જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પ્રદીપભાઈ ખીમાણી, ગૌરવભાઈ રૂપારેલિયા, શૈલેષભાઈ દવે અને યોગીભાઈ પઢિયાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન ગિરનાર પર્વત પર પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય સુવિધાઓ, ભવનાથ તળેટીના સર્વાંગી વિકાસ, મહાશિવરાત્રી મેળાનું આયોજન, લીલી પરિક્રમા માર્ગના વિકાસ અને 114 કરોડના માસ્ટર પ્લાનની અમલવારી અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા થઈ.
સાથે જ “ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી” રચવાના મુદ્દે પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ મળ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ગિરનારના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પવિત્ર વારસાના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરી હતી.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ