ગીર સોમનાથનો શિંગોડા ડેમ ૧૦૦% ભરાયો – ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની સૂચના.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની અસરથી ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલો શિંગોડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હાલ ડેમ ૧૦૦% ક્ષમતા સુધી ભરાઈ ગયો છે.

શિંગોડા ડેમની હાલની જી.ટી.એસ. સપાટી ૧૪૧.૫૮ મીટર નોંધાઈ છે, જ્યારે ડેમની કુલ ઊંડાઈ ૧૮.૮૦ મીટર છે. ડેમમાં હાલનો લાઇવ જથ્થો ૩૬.૦૬ એમ.સી.એમ છે, જ્યારે કુલ જથ્થો ૩૬.૪૦ એમ.સી.એમ છે.

ઉપરવાસ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતાં ડેમનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પરિણામે ડેમનું નિર્ધારિત લેવલ જાળવવા માટે શિંગોડા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂર પડી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાને લઈને, તંત્ર દ્વારા નીચાંણવાળા વિસ્તારોમાં આવેલા ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને,

  • ગીર ગઢડા તાલુકાના જામવાળા અને કંસારીયા ગામ,

  • કોડીનાર તાલુકાના ઘાટવડ, સુગાળા, છાછર, કરેડા, ગોવિંદપુર, ભંડારીયા, દુદાણા, નાના ઇંચવડ, કોડીનાર, ચૌહાણની ખાણ અને મુળદ્વારકા ગામના લોકોને નદીની આસપાસ અવરજવર ન કરવા માટે ચેતવણી અપાઈ છે.

જિલ્લા તંત્રએ નાગરિકોને સતર્કતા સાથે સુરક્ષિત રહેવા અને અનાવશ્યક જોખમ ન લેવા અપીલ કરી છે.

📍 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ