
વેરાવળ, તા. ૬ મે ૨૦૨૫:
રાજ્ય સરકારના “હેલ્થ ફોર ઓલ” ઉદ્દેશને અમલમાં મુકતા ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સગર્ભા મહિલાઓ અને બાળકો સહિત કુલ ૩૭,૮૩૨ લોકોનું સફળ રસીકરણ કરવામાં આવ્યું છે.
આ કામગીરી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સહયોગી યોજના હેઠળ, ૨ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૪ અર્બન હેલ્થ સેન્ટરો અને ૧૭૪ આયુષ્માન આરોગ્ય મંદિરોના માધ્યમથી હાથ ધરવામાં આવી છે.
આ વર્ષે ૧૮,૬૮૭ સગર્ભા મહિલાઓને ધનુરાસાની રસી આપવામાં આવી, જ્યારે ૧૯,૧૪૫ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા દરે દરે જઇને આશાવર્કરો અને આરોગ્યકર્મીઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે, જેથી શ્રમિક વર્ગ અને અંતિમ માણસ પણ રસીકરણથી વંચિત ન રહે.
રસીકરણના ફાયદા વિશે જનતામાં જાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન પણ યોજવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ મુજબ, રસીકરણ બાળકોને બાળરોગો સામે રક્ષણ આપે છે અને માતૃમૃત્યુ તથા શિશુમૃત્યુના દર ઘટાડવામાં પણ યોગદાન આપે છે.
અહેવાલ :– પ્રકાશ કારાણી, વેરાવળ