ગીર સોમનાથમાં ૧૦૦ દિવસનું ટી.બી. શોધ અભિયાન — ૧૫,૦૦૦ લોકોના એક્સ-રે, ૪૦,૦૦૦નું સ્ક્રીનિંગ પૂર્ણ.

ગીર સોમનાથ, તા. — જિલ્લામાં ટી.બી.ના વણ શોધાયેલા દર્દીઓને શોધી તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડી રોગનો ફેલાવો અને મૃત્યુદર રોકવા માટે આરોગ્ય વિભાગે ૧૯ મે ૨૦૨૫થી ૧૦૦ દિવસનું મહાઅભિયાન શરૂ કર્યું છે. હેતુ છે — ગીર સોમનાથને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવો.

અભિયાન અંતર્ગત આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન્સ ઘેર ઘેર જઈ નાગરિકોની પૂછપરછ કરી રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓ, ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો, ભૂતકાળમાં ટી.બી. થયેલા દર્દીઓ અને તેમના સગાઓને ખાસ ધ્યાનમાં રાખી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામે જણાવ્યું કે શંકાસ્પદ દર્દીઓને પી.એસ.સી.થી એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી એક્સ-રે સુવિધા ધરાવતા કેન્દ્ર સુધી લઈ જઈ એક્સ-રે અને જરૂરી પરીક્ષણ કરાય છે. સરકારી હોસ્પિટલ અને મોબાઇલ એક્સ-રે વાન બંને દ્વારા તપાસ થઈ રહી છે.

હાલ સુધીમાં જિલ્લામાં ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે અને ૪૦,૦૦૦થી વધુ લોકોનું ટી.બી. સ્ક્રીનિંગ પૂર્ણ થયું છે. અભિયાન અંતે ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી તમામ સંભવિત ટી.બી. દર્દીઓને ઓળખી સારવાર આપવામાં આવશે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ