ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તરીકે છેલ્લા 3.5 વર્ષથી સેવા આપતા મનહરસિંહ જાડેજાનો વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો.
આ પ્રસંગે મનહરસિંહ જાડેજાએ પોતાના લાગણીસભર શબ્દોમાં જણાવ્યું કે ગીર સોમનાથ જેવી પવિત્ર ધરતી પર સેવા આપવાનો અવસર તેમના જીવનનો એક અમૂલ્ય અધ્યાય રહ્યો છે. તેમણે પોલીસ વિભાગ તેમજ તમામ અધિકારીઓ અને જવાનોની નિષ્ઠા, શિસ્ત અને જવાબદારીને બિરદાવતા જણાવ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં ગીર સોમનાથ પોલીસએ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
તેમણે કહ્યું કે કાર્યકાળ દરમિયાન જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ, એલસિબી, એસઓજી, ઓફિસ સ્ટાફ અને અંગત સ્ટાફે દિલથી કામ કર્યું છે, જેના કારણે જ જિલ્લા પોલીસ હંમેશા સફળ રહી. “કોઈ કામમાં ખામી રહી ગઈ હોય તો તે માત્ર મારી જ ખામી છે,” એમ તેમણે નમ્રતાથી સ્વીકાર્યું.
વિદાયના આ ભાવનાત્મક પ્રસંગે એસપી જાડેજાએ ઉમેર્યું કે ગીર સોમનાથ જિલ્લાના લોકોનો સાથ અને વિશ્વાસ તેઓ જીવનભર યાદ રાખશે. “આ પરિવાર સાથે હું હંમેશા ભાવનાત્મક રીતે જોડાયેલો રહીશ,” એમ જણાવી તેમણે સૌનો આભાર માન્યો.
આ વિદાય સમારંભમાં શહેરના શ્રેષ્ઠિઓ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વેપારી અગ્રણીઓ, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખો, ધારાસભ્યો અને પૂર્વ સાંસદો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, ઉદ્યોગ સમૂહોના પ્રતિનિધિઓ, તેમજ સમગ્ર ગીર સોમનાથ પોલીસ વિભાગના અધિકારીઓ, ડીવાયએસપી, સીટી પી.આઈ., સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા.
અંતે વિદાય સમારંભ લાગણીસભર વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ