ગીર સોમનાથ જિલ્લામાં નાણાકીય સમાવેશન માટે ત્રણ મહિનાનું સંતૃપ્તિ અભિયાન – બેન્કોની શિબિરો દ્વારા જનજાગૃતિ.

ગીર સોમનાથ જિલ્લામાં તા. 01 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી નાણાકીય સમાવેશનનું ત્રણ મહિનાનું સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોમાં વિવિધ બેન્કો દ્વારા નાણાકીય યોજનાઓ અંગેની શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ શિબિરોમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં નવા ખાતાં ખોલવા, હાલના ખાતાઓમાં કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવવા, ડિજિટલ છેતરપિંડીથી બચવાના ઉપાયો, ખાતાઓમાં નોમિનેશન કરવાની પ્રક્રિયા સહિત પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે, નવા ખાતા ખોલવાની કામગીરી પણ સ્થળ પર જ હાથ ધરવામાં આવી રહી છે.

ગ્રામીણ નાગરિકોને વિવિધ નાણાકીય યોજનાઓના લાભો અને બેન્કિંગ સેવાઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. શિબિરો દ્વારા નાગરિકોને બેન્કિંગ તંત્ર સાથે વધુ સારી રીતે જોડવાનો અને નાણાકીય રીતે સશક્ત બનાવવાનો હેતુ છે.

આ સંતૃપ્તિ અભિયાન અંતર્ગત બાકી રહેલ ગામોમાં પણ 30 સપ્ટેમ્બર 2025 સુધી શિબિરો યોજાશે, જેથી દરેક લાયક લાભાર્થીનો સમાવેશ થઇ શકે. ગામલોકો પોતાના ગામના તલાટી મંત્રી અથવા નજીકની બેન્ક શાખા સાથે સંપર્ક કરી શિબિરની તારીખ અને સ્થળ વિશે માહિતી મેળવી શકે છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ