ઉના :
વર્સિંગપુર ગામને એક છેડે આવેલ આ પૌરાણિક પગથિયાં વાળી આ વાવમાં 120 પગથિયાં અને 5 માળ આવેલા છે.દરેક માળ પછી નાની પ્રાંગણ બેઠક છે. પહેલાંના જમાનામાં આ વાવની ઉપર વટેમાર્ગુના વિસામા માટે ઘુમ્મટ વાળી 4 બેઠક બનાવવામાં આવેલી છે..વાવની ડિઝાઇન અંગ્રેજીના L ( એલ )જેવી છે..હાલમાં પણ આ વાવમાંથી ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી ઉપયોગમાં લેવાય છે.
આશરે 13 મી સદીમાં આ વાવનું બાંધકામ એક જ રાત્રી દ્વારા કરવામાં આવ્યું છે
તેવી લોકવાયકા છે.જો કે આ અંગે કોઈ નક્કર પુરાવા કોઈ પાસેથી જાણી શકાયા નથી.હાલમાં વાવની પશ્ચિમ દિશામાં મસ્જિદ છે જ્યારે વાવની સામે ઉત્તર દિશામાં હનુમાનજીનું મંદિર છે. વાવ ની ઉપરના ભાગ ઉપર કુલ પાંચ મંદિર આકારના ઘુમ્મટ છે. જેમાં શરૂઆતના બે ઘુમ્મટ નીચે પડી ગયેલ છે અને હાલ ત્રણ ઘુમ્મટ મોજુદ છે.
વાવની અંદર જેટલા ઘુમ્મટ તેટલા માળ આવેલા છે.જેમના બે થી વધુ માળ દટાય ગયા છે.
દરેક માળને ચડ ઉતર કરવા માટે નાના પગથિયાં બન્ને તરફ છે.વાવ બનાવવા માટે દરેક પથ્થર ઉપર ખુબજ બારીકાઈથી અદ્દભુત કોતરકામ કરવામાં આવ્યું છે.. વાવની ઉપર આવેલ ચારેય બેઠક અને બેઠકની ઉપરનું છત અને તેના પીલોર ઉપર બેનમૂન નકશી કામ કરવામાં આવ્યું છે, આ વાવના બાંધકામમાં ચૂનો કે સિમેન્ટ કે કોઈ અન્ય પદાર્થનો ઉપયોગ કરવામાં આવેલ નથી, તેમ છતાં તેની મજબૂતાઈ એ એક ખાસ વિશિષ્ટતા અને તેની કારીગરીની ખાસિયત બતાવે છે. આ અકલ્પનીય બાંધકામમાં આવેલ કુવા માંથી હાલ પણ લોકો પાણી પીવામાં ઉપયોગમાં લે.
હાલ આ વાવ ગામના છેડે આવેલ છે અને ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે.. વાવ ની આજુબાજુમાં ઝાડીઓ અને કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.જેની સફાઈ ગ્રામ પંચાયત કે કોઈ સરકારી ખાતા દ્વારા કરવામાં નથી આવતી, પુરાતત્ત્વ ખાતા આ બાબતે જાણ હોવા છતાં કોઈ રસ દાખવતું નથી.
જાગૃત શિક્ષક દ્વારા પુરાતત્ત્વ ખાતાને જાણ કરાયેલ અને પુરાતત્ત્વ ખાતા દ્વારા સ્થળ પર આવીને અજાણી લિપિમાં લખેલ પથ્થર અને બીજા એક પથ્થર ઉપર સ્ત્રી પુરુષની આકૃતિવાળો પથ્થર એમ બે પથ્થર સાથે લઈ ગયેલ..જે પથ્થર હાલ કયા છે તેની કોઈને જાણ નથી..એ અંગે પણ તપાસ થવી જોઈએ કે હાલ આ પથ્થર કયા છે.
જો આ અતિપૌરાણીક વાવ ને પુરાતત્ત્વ વિભાગમાં સમાવવામાં આવેલ છે કે નહિ એ અંગે પણ કોઈને ખ્યાલ નથી.. આ વાવની જાળવણી કરીને એક પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો આ વાવ નષ્ટ થતા બચી જાય તેમ છે.. આ વાવના વિકાસ થવાથી આ ગામનો પણ વિકાસ થઈ શકે તેમ છે.
આ વાવ જેવી જ વાવ ડેસર ગામે શા.ડેસર રોડ ઉપર આવેલી છે જેની જાળવણી ગ્રામ પંચાયત દ્વારા તેમજ ગ્રામજન દ્વારા કરવામાં આવી છે તેમજ આ વાવનું પાણી પણ ગ્રામ પંચાયત પીવાના પાણીમાં ઉપયોગમાં લે છે. આ વાવ 14 મી સદીમાં બની હોય તેવું કહેવામાં આવે છે..આ વાવ પણ 5 માળ ની છે.. પુરાતત્વ વિભાગ આ બંને વાવને સમારકામ કરાવીને જાળવણી કરે તો આ બંને વાવ નષ્ટ થતા અટકી શકે તેમ છે અને પર્યટક સ્થળ તરીકે તેને વિકસાવી શકાય તેમ છે…
અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર-સોમનાથ)