ગીર સોમનાથ સખી વન સ્ટોપ સેન્ટરે છેલ્લા એક વર્ષમાં ૧૧૧ પીડિત મહિલાઓને આપ્યું સહારો!!

ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ, “સખી વન સ્ટોપ સેન્ટર” ૨૪ કલાક કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય, તબીબી, પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને તાત્કાલિક આશ્રય જેવી પાંચ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

૧૧૧ પીડિત મહિલાઓને નિઃશુલ્ક સહાય

જિલ્લા મહિલા અને બાળ અધિકારી મુકેશ વારસૂરે જણાવ્યું કે, ગત એક વર્ષ દરમિયાન ૧૧૧ પીડિત મહિલાઓને આ કેન્દ્ર દ્વારા સહાય કરવામાં આવી છે. જેમાં ઘરેલુ હિંસા, પ્રેમ પ્રકરણ, જાતિય હિંસા, ગુમ થયેલા કેસો, અપહરણ સહિતના કેસોનો સમાવેશ થાય છે.

સહાયની વિવિધ પદ્ધતિઓ

  • સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સીધા આવેલા કેસો
  • ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મળેલા કેસો
  • પોલીસ સ્ટેશન કેસ અને પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર દ્વારા મોકલવામાં આવેલ કેસો
  • અન્ય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવેલા કેસો

આ કેસોના સમાધાન માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મોટાભાગના કેસોમાં સમાધાન કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક કેસોમાં પોલીસ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પીડિત મહિલાને વધુ સહાય આપવામાં આવી છે.

મહિલાઓ માટે સુરક્ષિત આશરો અને જાગૃતિ કાર્યક્રમો

સખી વન સ્ટોપ સેન્ટર એ કોઈપણ ખાનગી કે જાહેર જગ્યાએ હિંસાનો ભોગ બનનાર કોઈપણ મહિલાને નિઃશુલ્ક સહાય પૂરી પાડે છે.
આ ઉપરાંત, પ્રિ-પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ, મહિલા સુરક્ષા અને સલામતી માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી મહિલાઓ તેમના હક્કો અને સક્રિય સહાયની ઉપલબ્ધ સેવાઓ વિશે માહિતગાર બની શકે.

📝 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ