સુરત
રાજ્ય સરકાર દ્વારા ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના અંતિમ દિને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની બે પાળીમાં શિક્ષણ કાર્ય કરતી વરાછાની બે પ્રાથમિક શાળાઓમાં બાલવાડી, બાલવાટિકા અને ધો.૧ના કુલ ૪૦૧ ભુલકાઓને કુમકુમ પગલાં પડાવી, પગ ધોઈ, પૂજન કરી શુભેછાઓ સાથે શિક્ષણનું પ્રથમ પગથિયું મંડાવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ભૂલકાઓને પ્રતસાહનરૂપે સ્કુલબેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.સુરત મનપાની વરાછા સ્થિત ન.પ્રા.શિ.સમિતિ સંચાલિત કવિશ્રી પ્રેમાનંદ પ્રા.શાળા અને શ્રી બ.ક.ઠાકોર પ્રા.શાળામાં બાલવાટિકામાં ૬૩ અને ધો.૧માં ૬૩ તેમજ વરાછાની ડૉ. વિક્રમ સારાભાઈ પ્રા.શાળા કવિશ્રી રાજેન્દ્ર શાહ પ્રા. શાળા મળી બાલવાડીના ૧૧૦, બાલવાટિકામાં ૨૦૦ અને ધો.૧માં ૩૫ મળી કુલ ૪૦૧ ભૂલકાઓ ઉત્સાહભેર શાળાપ્રવેશ અને નામાંકન કરાવ્યું હતું.આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્વારા ચાલતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વિષે માહિતી આપતા પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વ્યક્તિ અને સમાજના સંપૂર્ણ વિકાસ માટે પાયાનું શિક્ષણ અતિ મહત્વનું છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અરસ-પરસ સેતુ બંધાય ત્યારે સર્વોત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય છે. સાથે જ તેઓએ વિદ્યાર્થીઓને રાજ્યસરકારની શિક્ષણની યોજનાઓનો લાભ લઈ અવિરત આગળ વધવા અપીલ કરી હતી. તેમજ તેમણે શિક્ષક અને શાળાઓને બાળકોનું ઉચ્ચ જીવન ઘડતર થાય અને સારો નાગરિક બની દેશનું માથું ગૌરવથી ઉન્નત કરે તેવા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી. વધુમાં માતા-પિતાને પણ શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે રુચિ કેળવે તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)