જંતુનાશકો વિના ખેતી શક્ય બની: ખેડૂતો નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્કથી પાકને બચાવી રહ્યા છે જીવાતોથી.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હવે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી માટે આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગ દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે. ખાસ કરીને પાકમાં થતા જીવાત નિયંત્રણ માટે હવે ખેડૂતો રાસાયણિક દવાઓ નહીં પણ પરંપરાગત દેશી ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીમાં જીવાતો સામે પ્રભાવશાળી એવા ચાર મુખ્ય ઉપાયોનું ખાસ મહત્ત્વ છે – નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપર્ણી અર્ક. આ ઉપાયો ઘરમાં જ કે ફાર્મ પર તૈયાર થઈ શકે છે અને રાસાયણિક દવાઓ કરતાં ખૂબ જ સસ્તા અને પરિણામદાયક સાબિત થાય છે.

નિમાસ્ત્ર એટલે લીંબોડાં કે લીંબડા પાન, છાશ અને ગૌમૂત્ર વડે બનતું મિશ્રણ. તેને ૪૮ કલાક ખમાવી તૈયાર કરવામાં આવે છે. એ ચૂસિયાં જીવાતો માટે ખૂબ અસરકારક છે, જેમ કે સફેદ માખી, થ્રીપ્સ વગેરે. ખેડૂત દર ૭ થી ૧૦ દિવસના અંતરે છાંટકાવ કરે તો પાક સ્વસ્થ રહે છે.

બ્રહ્માસ્ત્ર મુખ્યત્વે કળીઓને ખાવાવાળી ઈયળો અને ફળભક્ષી જીવાતોને નિંદિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડો, કરંજ, ધતૂરા, સીતાફળ જેવા ઔષધીય પાંદડાં અને ગૌમૂત્ર ઉકાળી એક વિશેષ પદ્ધતિથી તે તૈયાર થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે શાકભાજી અને ફળોના પાકમાં થતો જોવા મળે છે.

અગ્નિઅસ્ત્ર એ થડ અને ફળમાં ઘૂસી જતી જીવાતો માટે અસરકારક છે. તેને લીલા મરચાં, લસણ, લીંબડા પાન અને ગૌમૂત્રના મિશ્રણથી બનાવવામાં આવે છે. ખાસ કરીને ગુવાર, કપાસ, ફળભાજી તથા દ્રાક્ષ જેવા પાક માટે આ મિશ્રણ સુરક્ષિત છે.

દશપર્ણી અર્ક એ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે, જેમાં લીમડો, કરંજ, બાવળ, પપૈયાં, જામફળ, ધતૂરા, ચંદન, વસાકા, તુલસી, નિમ પાન જેવી ૧૦ પ્રકારની ઔષધીય વનસ્પતિઓ સાથે મરચાં, તમાકુ, હળદર અને સુંઠ પણ ઉમેરાય છે. ૪૦ દિવસ સુધી આ મિશ્રણ ખમાવી દઈને છાંટકાવ માટે તૈયાર કરવામાં આવે છે. તે ફૂગ, જીવાત અને વાયરસ સામે રક્ષણ આપે છે.

બીજામૃત (ફૂગનાશક તરીકે) ખાટી છાશ, લસ્સી કે દહીં વડે તૈયાર થાય છે. તેને જમીનમાં છાંટવાથી ફૂગજન્ય બીમારીઓ અટકે છે અને જમીનની જીવંતતા જળવાય છે.

આમ, આવી દેશી પદ્ધતિઓ દ્વારા ખેડૂતો હવે રાસાયણિક દવાઓ વિના પણ પાક સુરક્ષિત અને આરોગ્યપ્રદ બનાવી શકે છે. આ ઉપાયો ન માત્ર જમીનની ગુણવત્તા જાળવે છે, પણ ખેડૂતોને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જાય છે. આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એ માત્ર જરૂરિયાત નહીં, પણ સમાજ અને પર્યાવરણ માટે એક જવાબદારી બની ગઈ છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ