જુનાગઢની નોબલ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે.

જુનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 14 ડિસેમ્બર 2024, શનિવાર ના રોજ સાંજે 6 વાગ્યે નોબલ કેમ્પસ ખાતે પ્રથમ પદવીદાન સમારોહનું આયોજન કરાશે. આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા MBA, MCA, DMLI, M.Pharm, M.Com, M.Sc, M.Tech સહિત વિવિધ વિદ્યાશાખાના 364 અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે.વર્ષ 2007માં સંસ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ ને વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા પછીનો આ પ્રથમ પદવીદાન સમારોહ છે. આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 11 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, ડૉ. એમ. એન. પટેલ ઉપસ્થિત રહી સમારોહ ને સંબોધશે તેમજ નોબલ યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી નીલેશભાઈ લેશિયા અધ્યક્ષપદે હાજરી આપશે સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ શ્રી ગિરિશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો- મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડ્યા અને કુલપતિ ડૉ. એચ. એન. ખેર આ સમારંભને ગૌરવશે.આ માહિતી રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી દ્વારા જાહેર કરવામાં આવી છે અને કાર્યક્રમમાં હાજરી માટે સન્માનિત મહેમાનો અને વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)