જૂનાગઢ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન માટે એક પેડ માં કે નામ ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી હતી. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ યોજના અંતર્ગત ડુંગરપુર રોપા ઉછેર કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના અંદાજિત ૩,૬૮,૦૦૦ તૈયાર કરાયા છે. રોપાઓને બેગ સાઈઝ ૨૦*૨૦, ૧૫*૨૫, ૨૦*૩૦ અને ૩૦ * ૪૦ રાખવામાં આવી છે.
જેમાં ફળ આપતા રોપા, વિવિધ ફૂલના રોપા તેમજ ઘટાદાર વૃક્ષોના રોપાઓ સાથે-સાથે આયુર્વેદિક છોડ તુલસી, અરડૂસી વગેરેના રોપાનો પણ ઉછેર કરવામાં આવે છે. તમામ રોપાઓનો ઉછેર પ્રાકૃતિક રીતે એટલે કે છાણીયા ખાતર તેમજ પાણીથી જ કરવામાં આવે છે, કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર ઉમેરવામાં આવતું નથી
રેન્જ ફોરેસ્ટર ઓફિસર લક્ષ્મણભાઈ સુત્રેજાના જણાવ્યા અનુસાર સામાજિક વનીકરણ અંતર્ગત ડુંગરપુર રોપા ઉછેર કેન્દ્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના પાતાપર ગામે લગભગ દોઢ એકર જમીનમાં અંદાજિત ૨૫૦૦ થી વધારે રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ મગફળી ઉછેર કેન્દ્ર જુનાગઢ ખાતે ૪૦૦ રોપાનું વાવેતર કરાયું છે. ઉપરાંત રોપા વિતરણ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપાના દર અને વિતરણની સુઆયોજીત પધ્ધતિ છે. જેમાં કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંકના ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. થેલીની સાઇઝ મુજબ ભાવો નકકી થતાં હોય છે. રૂ. ૨ થી લઇને રૂ.૧૦૦ સુધીના રોપાના ભાવ હોય છે. રોપાઓ ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જેથી વધુને વધુ સામાજિક વનીકરણ થઇ શકે, જેમાં નાગરીક, ખેડુત, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થા વગેરેની ભાગીદારી ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
૧૯૫૦ માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા શરુ કરવામાં આવેલ વન મહોત્સવની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક અને લોકભોગ્ય બનાવવાનાં ઉદેશ્યથી વન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુમાં શાળાના બાળકો તેમજ નાગરીકો દ્વારા શાળામાં તેમજ સાર્વજનીક જગ્યાઓ, ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી ભવનોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આંગણવાડીના બાળકો થકી સર્વગુણ સંપન એવો સરગવાના રોપનું વૃક્ષારોપણ કરવામાં આવે છે.
આ તમામ રોપાઓનો ઉછેરથી લઈ વૃક્ષારોપણ સુધીની પ્રક્રિયા કુદરતી ખાતર દ્વારા જ પ્રાકૃતિક રીતે જ કરવામાં આવે છે. રોપાનું વૃક્ષારોપણ થયા બાદ તેની માવજત કરવામાં પણ ગાય આધારિત છાણીયા ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે છે જો વૃક્ષોમાં કોઈ રોગ આવે, કોઈ કારણસર વૃક્ષ સુકાઇ જાય તો ગાઈડલાઈન મુજબ પ્રાકૃતિક ખાતર અને દવાનો છંટકાવ કરવામાં આવે છે, અથવા તો વૃક્ષની આસપાસ જમીનમાં કુદરતી ખાતર ભેળવી પાણી ઉમેરવામાં આવે છે.
સામાજિક વર્ગીકરણ અંતર્ગત જ સરકાર શ્રી દ્વારા (વન કવચ) મિયા વાંકી જંગલ બનાવવામાં આવે છે, જે ઘટાડો જંગલ તરીકે પણ ઓળખાય છે. વન કવચમાં વૃક્ષારોપણ કરતી વખતે ઉચ્ચ સ્તરીય રોપા, નિમ્ન સ્તરીય રોપા અને મધ્યમ સ્તરીય રોપા ધ્યાનમાં લેવામાં આવે છે. નિશ્ચિત ફોર્મેટ પ્રમાણે ઉચ્ચ સ્તરીય રોપવાની બાજુમાં મધ્યમ સ્તરીય તેમજ તેમની બાજુમાં નિમ્ન સ્તરીય રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવે છે. વન કવચની માવજત વખતે પણ કુદરતી ખાતર તેમજ ફક્ત પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગાય આધારીત ખાતર પણ રોપા ઉછેર કેન્દ્ર ખાતે જ તૈયાર કરવામાં આવે છે. લગભગ ૮ થી ૯ મહિનામાં જ આ વન કવચ ધટાટોપ જંગલ બની જાય છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ ફક્ત પાણી નો જ ઉપયોગ કરવામાં આવે છે અન્ય કોઈ ખાતર કે માવજત આપવામાં આવતી નથી.
અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)