
રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ જૂનાગઢ ખાતે વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીએ જન્માનસના પ્રશ્નો અને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા મુદ્દાઓ અંગે ગંભીર નોંધ લઈ સંબંધિત વિભાગોને તાત્કાલિક ઉકેલ માટે નિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને જમીન માપણી, ગામતળ માપવા માટેની અરજીઓ, નાણાપંચના કામો, તેમજ મનરેગા, સૌની યોજના, ચેકડેમ રીપેરીંગ, અને સુજલામ-સુફલામના કામો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીએ ખાસ તાકીદ કરી કે, “માવઠાની આગાહી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતીઉત્પાદનનું રક્ષણ થઈ રહે તેવા પૂરતા બંદોબસ્તો કરવામાં આવે.” તેમજ હાલ ચાલુ ચણા અને રાયડાની ટેકા ભાવની ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતો સાથે કોઈ અણ્યાય ન થાય તે માટે કડક દેખરેખ રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે મંજૂર યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તેમજ ધારાસભ્યો દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી, ભગવાનભાઈ કરગટીયા સહિતના વહીવટી અને તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ