જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ અને પશુ દવાખાના જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે “જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં જૂનાગઢ, મેંદરડા, વંથલી અને વિસાવદર તાલુકાના ૩૦૦થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન નિષ્ણાંતો દ્વારા પશુપસંદગી, પશુસંવર્ધન, પશુ આરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજત વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે પશુપાલનને આધુનિક ઢબે અપનાવી પશુપાલકોની આવક બમણી કરવાની અને ગૌપાલનથી આત્મનિર્ભર બનવાની અપીલ કરી હતી. તેમના સાથે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પણ પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવાની અને ખેતી સાથે પશુપાલનને જોડવાની સલાહ આપી હતી.
શિબિર દરમિયાન નિષ્ણાંતોમાં નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા, ડો. એ.પી. ગજેરા, ડો. ચિરાગ રાંક, ડો. ઉમરેટીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરકારી સહાય યોજનાઓ, પશુપાલન માટે આધુનિક ટેક્નિક અને પશુ આરોગ્ય સંભાળ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
શિબિરના સફળ આયોજન માટે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાનએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જુહી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશીયા, તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ સોલંકી, અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર અંતે પશુપાલકોની શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું અને પશુપાલકોને આવનારા સમયમાં વધુ સારી તકો અપાવાની ખાતરી અપાઈ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ