જૂનાગઢ
રાષ્ટ્રીય પર્વ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનાં ભાગરૂપે જૂનાગઢ શહેર અને ગ્રામ વિસ્તારમાં ઉત્સાહ અને ઉમંગભેર હર ધર તિરંગાની ઉજવણીઓ થઇ રહી છે ત્યારે જૂનાગઢમાં સ્વાતંત્ર્ય પર્વ અને હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી થશે. સ્વાતંત્ર્ય પર્વ અને તિરંગા યાત્રાનું સુચારૂ આયોજન થઇ શકે તે માટે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય પર્વના સુચારૂ આયોજન માટે સંબંધકર્તા અમલીકરણ અધિકારીઓને આવશ્યક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યુ હતુ. કલેકટરશ્રીએ રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેની ખાસ કાળજી લેવા માટે પણ સૂચનાઓ આપી હતી.
સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ને બુધવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે જૂનાગઢ સ્થિત બહાઉદ્દીન કોલેજ ખાતેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તિરંગા યાત્રા નીકળશે. જેમા ૫૦૦૦ થી વધુ લોકો જોડાશે. આ યાત્રામાં સાધુ સંતો, પદાધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, રમતવીરો વિવિધ એસોસિએશન ઉત્સાહભેર જોડાશે. આ તિરંગા યાત્રાની સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ સાંજના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે દેશભક્તિ સભર સંગીત કાર્યક્રમ યોજવામાં આવશે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અગ્રણીશ્રી પ્રમુખ પુનિતભાઈ શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે ૧૪મી ઓગષ્ટે સાંજે ૪-૦૦ કલાકે બહાઉદ્દીન કોલેજ પરિસરથી પ્રસ્થાન થનાર તિરંગા યાત્રામાં રાજ્યનાં કૃષિ, પશુપાલન, ગૈા-સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ-ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ કેબીનેટ મંત્રી અને જિલ્લા પ્રભારીશ્રી રાઘવજીભાઇ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર, સાંસદ સદસ્ય શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા, ભગવાનજીભાઇ કરગઠીયા, દેવાભાઇ માલમ, અરવંદભાઇ લાડાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)