જૂનાગઢ આરટીઓ રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ: ગુડ સમરીટન સર્ટિફિકેટ, હેલ્મેટ વિતરણ, ટ્રાફિક જાગૃતિ પર ભાર .

       કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના  હસ્તે માર્ગ અકસ્માતમાં  ઈજાગ્રસ્તોને  તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવા બદલ આરટીઓ ઈન્સપેકટર  અને ડ્રાઈવરને ગુડ સમરીટન સર્ટીફીકેટ અપાયા ક્વિઝ વિજેતાઓ વિધાર્થીઓને  હેલ્મેટ ,પ્રમાણપત્ર વિતરણ કરાયા જૂનાગઢ,તા. ૫  રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ અન્વયે જૂનાગઢ બહાઉદ્દીન  સરકારી વિનયન કોલેજ ખાતે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો,

જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા એ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવે છે. જેનો આશય છે કે લોકો માર્ગ સલામતી માટે વધુને વધુ જાગૃત થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય. તેમણે દરેક વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર બાઈક નહીં ચલાવવા અને ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપવા માટે અપીલ કરી હતી.આ ઉપરાંત ગુડ સમરીટનની જાણકારી આપી જણાવ્યું હતું કે જ્યારે તમારી આસપાસના વિસ્તારમાં કોઈ અકસ્માત થાય ત્યારે એમાં બનતી મદદ કરીએ અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડીએ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી આશિષ પંચાલે વિધાર્થીઓને રોડ અકસ્માતમાં ગોલ્ડન અવરનુ મહત્વ અને સમરીટન અંગે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. જેમાં ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માતના એક કલાક બાદ જે સારવાર પૂરી પાડવામાં આવે તેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. જ્યારે કોઈપણ લાભની અપેક્ષા વગર ઇજાગ્રસ્તને હોસ્પિટલે પહોંચાડવું અકસ્માત સ્થળ પર મદદ કરે તેને ગુડ સમરિટન કહેવામાં આવે છે,

તેમણે મોટર વ્હીકલ એક્ટની અંતર્ગત ગુડ સમરીટનની જોગવાઈઓ વિશે પણ જણાવ્યુ હતુ. તેમણે રોડ અકસ્માત થવાના મુખ્ય કારણમા ડ્રાઇવિંગ વખતે મોબાઈલ પર વાત કરવી, હેલ્મેટ ન પહેરવું, ઓવર સ્પીડ ઓવર કોન્ફિડન્સમાં ડ્રાઇવિંગ કારણો હોય છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરી અને પોતાનો અને અન્યનો પણ જીવ બચાવી શકાય છે.
આ તકે ડીવાયએસપી શ્રી પટ્ટણીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.બહાઉદીન સરકારી વિનયન કોલેજના આચાર્ય ડો.જેસિંગ વાંઝા એ સ્વાગત પ્રવચન કર્યુ હતુ,

આ પ્રસંગે કલેક્ટરશ્રી ના હસ્તે ક્વિઝ વિજેતાઓને હેલ્મેટ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી એમ એસ ઠાકોર, શ્રી એમ.એલ.પટેલ, ડ્રાઇવર શ્રી હિરેનભાઈ તુંબડીયાનું કલેકટરશ્રી ના હસ્તે સમરીટન સર્ટિફિકેટ આપી બહુમાન કરાયું હતું.
તેઓ ફરજ દરમિયાન અકસ્માતની જાણ થતા સ્થળ પર પહોંચી ગયા હતા. ૧૦૮માં ફોન કર્યો હતો. અકસ્માતની ગંભીરતા જોતા તેમણે સમય સૂચકતા વાપરી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ગોલ્ડન અવરમાં જ ઇજાગ્રસ્તને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાલ ખાતે પહોંચાડી અને પ્રશંસનીય કામગીરી કરી હતી,

આ પ્રસંગે રોડ સેફ્ટીના નિષ્ણાંત શ્રી શાહે પીપીટી ના માધ્યમથી ટ્રાફિક ના નિયમો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમા આરટીઓ, પોલીસ વિભાગ, બહાઉદીન સરકારી વિનયનકોલેજના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)