જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની દ્વારા બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન.

\અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ ભારતભરમાંથી ૨૫૦ જેટલા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી ટકાઉ ખેતી પદ્ધતિ વિષે પોતાના સંશોધનો રજુ કરશે

તા. ૨૩ જાન્યુઆરીના સવારે ૯ કલાકે ઉદઘાટન સમારોહ યોજાશે

જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની સેન્ટર ઓફ એકસેલન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ યોજના, રિસર્ચ ટેસ્ટીંગ અને ટ્રેઈનીંગ સેન્ટર દ્વારા ટ્રેઈલબ્લેઝીંગ ટ્રેન્ડસ ઇન સસ્ટેનેબલ કલાઇમેટ-રેઝીલીયન્ટ પ્રિસિઝન એગ્રીકલ્ચર થ્રૂ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ એન્ડ રીમોટ સેન્સીંગ ના વિષય પર બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન તા. ૨૩ અને ૨૪, જાન્યુઆરી – ૨૦૨૫ના રોજ કુલપતિશ્રી ડો. વી. પી.ચોવટિયાની પ્રેરણાથી, સંશોધન નિયામક અને ડીન, પી.જી. સ્ટડીઝ ડો. આર. બી. માદરીયાના માર્ગદર્શન હેઠળ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. એચ.ડી.રાંકના પ્રોત્સાહન તેમજ ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ખેતી ઈજનેરી) ડો. જી. વી. પ્રજાપતી તેમજ કો- ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડૉ. પી.એ.પંડ્યાના સતત પ્રયાસોથી આયોજન કરવામાં આવનાર છે.


આ કોન્ફરન્સ માં ભાગ લેવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ ભારતભરમાંથી ૨૫૦ જેટલા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને આમંત્રિતો આવી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધન કર્તાઓ દ્વારા આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી જમીન અને જળ સંરક્ષણ તેમજ જળ વ્યવસ્થાપન, કૃષિમાં યાંત્રિકીકરણ, રીન્યુએબલ એનર્જીનો ખેતીમાં ઉપયોગ, ખેતપેદાશો નું મૂલ્યવર્ધન, વાવણીથી માંડી કાપણી સુધી ટકાઉ પાક ઉત્પાદન માટેની ટેકનોલોજીઓ, જમીન સ્વાસ્થ્ય, બાગાયતી પાકોમાં ચોકસાઈ પૂર્વકની ખેતી બાબતે સંશોધન લેખો રજુ થનાર છે. કોન્ફરન્સમાં સિલ્વર પંપ, પીડીલાઇટ ઇન્ડટ્રીઝ, જીએચસીએલ, ગુજકોસ્ટ-ગાંધીનગર, અંબુજા ફાઉન્ડેશન, જીજીઆરસી –વડોદરા, પાર્થ પોલીમર પ્રા. લિ., એકેઆરએસપી(આઈ), ડોક્ટર પંપ, બાલ્સન ઈર્રીગેસન પ્રા.લિ. જેવી NGO, કૃષિ આધારિત ઉદ્યોગ સાહસિકો, સહકારી સંસ્થાઓએ પણ પોતાનો સહયોગ આપ્યો છે અને જોડાઈ રહી છે.


આ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ તારીખ : ૨૩.૦૧.૨૦૨૫ ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. આ ઉદઘાટન સમારોહમાં અધ્યક્ષ અને મુખ્ય ઉદઘાટક શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટ મંત્રીશ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત રાજ્ય, મુખ્ય અતિથિ તરીકે ડો. વી. પી. સિંઘ, ડીસ્ટીગ્યુઈસ એન્ડ રીજન્ટસ પ્રોફેસર, ટેક્ષાસ એ & એમ યુનિવર્સીટી, યુ.એસ.એ., અતિથિ વિશેષશ્રીઓ તરીકે ડો. એસ. એન. ઝા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ ઈજનેરી), ઈન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ન્યુ દિલ્હી અને ડો. એ. આર. પાઠક, પૂર્વ કુલપતિશ્રી, જુનાગઢ અને નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, જયારે ખાસ આમંત્રિત મહેમાન તરીકે ડો. નિશા રાખેશ, વડાશ્રી, ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ફૂડ & એન્વાયરમેન્ટ, વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલિયા અને પેટ્રોન તરીકે ડો. વી. પી. ચોવટિયા કુલપતિશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, કન્વીનરશ્રી ડો. આર. બી. માદરીયા, સંશોધન નિયામક અને ડીન, પી.જી. સ્ટડીઝ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. જી.વી.પ્રજાપતી, સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ખેતી ઈજનેરી) તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના અધિકારીશ્રીઓ, પ્રિન્સિપાલ અને ડીનશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, સંશોધન ઇજનેરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેનાર છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ઘરઆંગણે યોજાનાર સૌપ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની વૈશ્વિક સ્તરે સવિશેષ નોંધ લેવાયેલ છે, જેમાં કુલ ૨૫૦ જેટલા વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, બાગાયત શાસ્ત્રીઓ, કૃષિ ઈજનેરો, સરકારી અધિકારીશ્રીઓ, કૃષિ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારો, જાગૃત ખેડૂતો, વિદ્યાર્થીઓ વિગેરે ભાગ લેવા જઈરહ્યા છે. જેમાં ૧૦ વૈજ્ઞાનિકો પણ ભાગ લેનાર છે. આ બે દિવસીય કોન્ફરન્સ દરમ્યાન વિવિધ ટેકનીકલ સેશનોમાં ૨૧૫ જેટલા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનો કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, સરદાર સ્મૃતિ કેન્દ્ર તેમજ પરીતળાવ બોટનીકલ ગાર્ડન ખાતે યોજવામાં આવશે. ઉત્કૃષ્ટ પ્રેઝન્ટેશન કરનાર વૈજ્ઞાનિક/વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવનાર છે.


આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ દરમ્યાન “ફાર્મર-ઇન્ડસ્ટ્રીઝ-NGO ઈન્ટરેકશન મીટ” નું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૫૦ જેટલા ખેડૂતો ભાવનગર, મહુવા, અમરેલી, જુનાગઢ ના જુદા જુદા તાલુકાઓમાંથી આવનાર છે. આ ઈન્ટરેકશન મીટ નો મુખ્ય હેતુ બદલાતા વાતાવરણથી હાલ ખેતીને લગતા પડકારોનું નિરાકરણ લાવવા, ચોકસાઈ પૂર્વકની ખેતી દ્વારા પાક ઉત્પાદકતા વધારવી, નવીન ઉર્જાનો ખેતીમાં ઉપયોગ, સ્માર્ટ ખેતી અને પાક મૂલ્યવર્ધન વિકાસને પ્રોત્સાહન આપનો છે. જેમાં આ દિશામાં સંશોધન કરતા વૈજ્ઞાનિકો, ઉદ્યોગકારો, અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પ્રગતિશીલ ખેડૂતોનો સંવાદ થાય અને તેમના પ્રશ્નોનું સમાધાન થાય અને જ્ઞાનની આપ-લે થાય. સાથે સાથે ખેડૂતોએ નમુનારૂપ કામગીરી કરેલ હોય તેવા ખેડૂતો પોતાના અનુભવોની આપ-લે કરે તે માટે તેમને મંચ પૂરો પાડવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન પોતાના વિસ્તારમાં ખેતીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી તેમને સન્માનિત કરવામાં આવનાર છે.આ કોન્ફરન્સના આયોજનને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓના કન્વીનરશ્રીઓ, સભ્યો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)