જૂનાગઢ જિલ્લાનાં ચાંપરડા સુરૈવધામ ખાતે સંતશ્રી મુકતાનંદ બાપુની નિશ્રામાં ગુરૂપૂર્ણીમા અવસરે ગુરૂવંદનાનું ભાવસભર આયોજન.

જૂનાગઢ

અષાઢ મહિના ની પૂર્ણિમાનો દિવસ પરંપરાગત ગુરુપૂર્ણિમાના અવસર તરીકે ઉજવવામાં આવે છે. સાથે મહર્ષિ વ્યાસજીને યાદ કરવાનો અવસર પણ છે.જૂનાગઢ જિલ્લાનાં ચાંપરડા સૂરૈવાધામનાં સંતશ્રી મુક્તાનંદજી બાપુની નિશ્રામાં ગુરૂવંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો.

ગુરૂપૂર્ણિમાં પર્વની મહત્વતા વર્ણવતા ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ગુરૂરૂપી જ્ઞાનનો પ્રકાશ હંમેશા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. મનુષ્ય જીવન ગુરુઓનાં શાણપણ, કરુણા અને માર્ગદર્શન માટે આભારી છે. ગુરુઓના ઉપદેશો વ્યક્તિને જીવનમાં મહાનતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. ગુરુઓની દૈવી કૃપા હંમેશા જીવનને સદાચારના માર્ગ તરફ દોરી જાય તેવી હોય છે. ગુરુઓના આશીર્વાદ તમામ પડકારોને દૂર કરવા માટે શક્તિ આપે છે,ગુરૂવંદનાનાં અવસરે આપણા ગુરુઓની શાણપણ અને ઉપદેશોનું સન્માન કરીએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા જ્ઞાન અને શાણપણના પ્રસાર માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ ગુરુઓને વંદન.

આ તકે મુક્તાનંદ બાપુએ શિષ્યવૃંદ અને શ્રાવકોને સંબોધતા જણાવ્યુ હતુ કે પંચાંગ જોઇએ તો ખ્યાલ આવે કે આપણી સાંસ્કૃતિક પરંપરા કેટલી મહાન છે. એક પણ પૂનમ એવી નથી કે એ દિવસે કોઈ તહેવાર ન હોય. દેવ દિવાળી, હોળી, હનુમાન જન્મોત્સવ, બુધ્ધપુર્ણિમા, રક્ષાબંધન, કબીર જયંતી, પોષી પુનમ વગેરે તે જ રીતે અષાઢી પૂનમ ગુરૂ વંદનાનો અવસર છે. મનુષ્ય જીવનમાં ગુરુ મહિમા અપરંપાર હોય પ્રસ્થાપિત પરંપરા છે, વેદ કાળથી છે શ્રી રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ, વિશ્વામિત્ર, શ્રી કૃષ્ણ-સુદામાના ગુરુ સાંદિપની, શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદાચાર્ય, કબીર સાહેબના ગુરૂ રામાનંદ,પાંડવોના ગુરૂ દ્રોણાચાર્ય, વિવેકાનંદજીના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ, દત્તાત્રેયના ૨૪ ગુરુ હતા. શીખ ધર્મમાં તો ગુરુ નાનકજીથી અદ્યાપિ એક આખી ગુરુ પરંપરા પ્રસિદ્ધ છે, જૈન ધર્મના નવકારમંત્રમાં પ્રચ્છન્ન ગુરુવંદના છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનના ગુરુ સ્વયં શ્રીકૃષ્ણ છે. જીવનમાં અજ્ઞાનના અંધકાર દૂર કરે સાથે પ્રેરણા અને માર્ગદર્શન સાથે ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ શીખવે એ ગુરુ છે. વિદ્યાર્થી કાળે વિદ્યાભ્યાસ દ્વારા જીવન પ્રગતિમય અને સંસ્કારસભર બનાવે એ ગુરૂ છે. આવો આ અવસરે ગુરૂવંદનામાં સામાજીક કુરીવાજો, અંધશ્રધ્ધા ત્યજી વ્યસનમુક્ત બની શ્રેષ્ઠ સમાજનાં નિર્માણ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિનાં શિખરે પહોંચાડવા યોગદાન આપીએ.આ પ્રસંગે નરસિંહ મહેતા યુનિ.નાં રજિસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા તેમજ મોટી સંખ્યામાં સેવકો , ભક્તો વિગેરે ગુરૂવંદનામાં જોડાયા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)