જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

 

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતો માટે ખરીફ કઠોળના ઊભા પાકોમાં સંકલિત રોગ- જીવાત નિયંત્રણ માટેની માર્ગદર્શિકા અને પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર,ખેતરમાં મોલોના ઉપદ્રવ સાથે જ કુદરતી રીતે તેના પરભક્ષી કિટક લેડીબર્ડ(ડાળીયાં) પણ દેખાય છે. જેનું પુખ્ત તેમજ ઇયળ મોલોને ખાઇ તેનું નિયંત્રણ કરે છે, આ સમયે રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો અથવા જરૂર જણાયતો વનસ્પતિ આધારીત દવાનો છંટકાવ કરવો.મોલોના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી ક્રાયસોપાનાં ઇંડા અથવા ઇયળો (હેક્ટર દીઠ ૫૦,૦૦૦) છોડવા. સફેદમાખીના પરભક્ષી કીટક જેવા કે એન્કારસીયા નામની ભમરી છોડવી.

મોલો મશી, થ્રિપ્સ, તડતડિયા,સફેદ માખી, રાતી કથીરી, ચીકટો, શીંગના ચૂસિયા જેવી ચૂસિયા જીવાતોનો શરૂઆતમાં ઉપદ્રવ ઓછો હોય ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના મીંજનો અર્ક (૫% અર્ક) ૧૦ લીટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૪૦ મીલી/૧૦ લીટર માં ઉમેરી છંટકાવ કરવો.
લીલી ઇયળની ફૂંદી પીળા રંગ તરફ આકર્ષતી હોઇ તુવેર જેવા પાકોમાં ખેતરો ફરતે તેમજ પાકની વચ્ચે છુટાછવાયા ગલગોટાનું વાવેતર કરવું તેમજ ખેતરમાં હેકટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવી. રાત્રીના સમયે ખેતરમાં પ્રકાશ-પિંજર ગોઠવવા. ખેતરમાં જયાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં જંતુનાશકદવાનાં ૧ થી ૨ ટીંપા નાખવા, જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતાં તેનો નાશ થશે.

 

પક્ષીઓને બેસવા ટેકા/બેલીખડા પ્રતિ હેક્ટરે ૫૦ ની સંખ્યામાં ગોઠવવા જેથી પક્ષીઓ દ્રારા ઈયળો અને ફૂદીંનો નાશ થાય.તુવેરમાં લીલી ઇયળ તેમજ શીંગ માખીના નિયંત્રણ માટે લીંબડાની લીંબોળી ના મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ૧૫ દિવસના અંતરે બીજા ૨ થી ૩ છંટકાવ કરવા. જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરેન્જીન્સીસ નામનાં જીવાણુંનો પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અથવા ન્યુકિલયર પોલીહેડ્રોસીસ (એનપીવી) વાયરસ ૨૫૦ ઇયળ એકમ (૨૫૦ એલઇ) જરૂરી પાણીનાં જથ્થામાં ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવુ.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, ખેતી અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમનો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)