જૂનાગઢ જિલ્લાના ચાર નગરપાલિકા વિસ્તારોમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ.

જૂનાગઢ તા. 13 — આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ અને સ્વચ્છતાના સંદેશને પ્રસરાવવા જૂનાગઢ જિલ્લાના માણાવદર, વિસાવદર, બાંટવા અને વંથલી નગરપાલિકાઓમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

નગરપાલિકાઓ, વહીવટી તંત્ર, શાળા-કોલેજ, મહિલા મંડળો અને સ્વયંસેવક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલી આ યાત્રાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા. માર્ગોમાં દેશભક્તિ ગીતો ગુંજતા હતા, બાળકો હાથમાં તિરંગો લહેરાવતા હતા અને સૂત્રોચ્ચારો સાથે દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો.

માણાવદર:
સિનેમા ચોકથી શરૂ થઈ દિવાનપરા ચોક, પોલીસ સ્ટેશન ચોક, ગાંધીચોક સુધી તિરંગા રેલી યોજાઈ. શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો અને સૂત્રોચ્ચારો સાથે આગળ વધ્યા. મહાનુભાવો તથા અધિકારીઓ પણ સહભાગી બન્યા.

વિસાવદર:
નગર પંચાયત હાઇસ્કૂલથી મેઇન બજાર, રામજી મંદિર અને સરદાર ચોક સુધી રેલી કાઢવામાં આવી. હર ઘર સ્વચ્છતા સંદેશા સાથે બાળકો હાથમાં પ્લેકાર્ડ લઈ ચાલી રહ્યા હતા.

બાંટવા:
મારૂતિ સ્કૂલથી શરૂ થઈ રુદ્ર આર્કેડ, પ્યાસા ચોક, શિવાજી ચોક, ઘાસપીઠ ચોક, હવેલી ચોક થઈ પરિશ્રમ સ્કૂલ સુધી યાત્રા ચાલી. દેશભક્તિ સૂત્રોચ્ચારો સાથે લોકોએ તિરંગો લહેરાવ્યો.

વંથલી:
ડો. બાબાસાહેબના સ્ટેચ્યુથી શરૂ થઈ મેઇન બજાર, રબારીવાડ, નવદુર્ગા ચોક, પટેલ ચોક, સ્ટેશન દરવાજા સુધી રેલી યોજાઈ. યુવાનો તથા વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવાલાયક રહ્યો.

આ યાત્રાઓનો મુખ્ય હેતુ દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો સંદેશ પહોંચાડવો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની ભાવના વધારવી અને સ્વચ્છતાના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનરે નાગરિકોને ફ્લેગ કોડ મુજબ પોતાના ઘરમાં તિરંગો ફરકાવવા તથા ભારત સરકારના અધિકૃત પોર્ટલ harghartiranga.com પર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કર્યો છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ