જૂનાગઢ જિલ્લાના વિવિધ એકમો કે જ્યાં જાહેર જનતાની અવરજવર રહેતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત.

જૂનાગઢ

ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ માટે સી.સી.ટી.વી. કેમેરા ઉપયોગી બને છે. જાહેર જનતાને અવર-જવર રહે છે તેવાવિવિધ એકમો અને સ્થળોએ જાહેર જનતાની સુરક્ષા માટે સી.સી.ટી.વી કેમેરા લગાવવા તેમજ આનુષંગિક જરુરી પગલાં લેવા સૂચનાઓ બહાર પાડતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરી દ્વારા ફોજદારી BNSS-2023 ની કલમ-૧૬૩ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારની હોટલ, ખાણીપીણીની લોજ, ફાસ્ટની દુકાન, ધાબા, ગેસ્ટ હાઉસ, લોજિંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહો, વિશ્રામ ગૃહો, રિસોર્ટ, ફાર્મહાઉસ, કોમર્શિયલ એકમો, ઔદ્યોગિક એકમો, જીઆઇડીસી, પેટ્રોલ પંપ, સીએનજી પમ્પ, ગેસ એજન્સી, બેંકો, એટીએમ સેન્ટર, સિનેમા ઘર, શોપિંગ મોલ, ટોલ પ્લાઝા, આંગડિયા પેઢી, સાઈબર કાફે, કારખાના, શોરૂમ, જાહેર બાગ બગીચા, ટ્યુશન ક્લાસીસ, યુનિવર્સિટી, શાળા-કોલેજો, સમાજની વાડી, ચર્ચ, મંદિર, મસ્જિદ, મદ્રેસા, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક, રોપ-વે, સોની વેપારીની દુકાનો તથા મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તેવા મેળા જેવા સ્થળોએ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ તથા પાર્કિંગના સ્થળોએ તથા જે તે જગ્યાના મહત્વના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે તેમજ તેનું રેકોર્ડિંગ 30 માટે સાચવવાનો રહેશે.

સીએનજી કે પેટ્રોલ પંપના માલિક/સંચાલકોએ સીએનજી પમ્પ/પેટ્રોલ પંપનો સમગ્ર વિસ્તાર આવરી લે તેમજ પેટ્રોલ/ડીઝલ/સીએનજી ફીલિંગ સ્ટેશન ઉપર વાહન આવે ત્યારે આવા વાહનના નંબર તેમજ ચાલક સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ શકે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન થતા હાઈ ડેફીનેશનના) રેકોર્ડિંગ સિસ્ટમ સાથે પૂરતી સંખ્યામાં રાખવાના રહેશે. પ્રાઇવેટ સિક્યુરિટી રાખવા માંગતા એકમ/પેઢીઓએ લાઇસન્સ ધરાવતી અધિકૃત સિક્યુરિટી એજન્સીના તથા તાલીમબધ્ધ સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે. આવા ગાર્ડ રાઉન્ડ ધી ક્લોક રાખવાના રહેશે. તેમજ જો કોઈ એકમની માલિકી બદલાય તો તે અંગેની જાણ આધાર પુરાવાઓ સાથે તરત જ એસ.ઓ.જી. શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, જૂનાગઢમાં તથા લગત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. મલ્ટીપર્પઝ થિયેટર/કોમર્શિયલ મોલ/સેન્ટર/રોપ-વે તથા મેળા કાર્યક્રમના આયોજકોએ આવા સ્થળો ખાતે મેટલ ડિટેક્ટર લગાવવાના રહેશે. ઘણા ખરા કેસોમાં ગુનેગારો સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખતા હોય છે. જેથી સી.સી.ટી.વી કેમેરા રેકોર્ડિંગ એક્સેસ કરવું મુશ્કેલ બને છે/શક્ય બનતું નથી. આથી આવું ન બને તે હેતુસર ડી.વી.આર. સિસ્ટમને કોઈ પણ નુકસાની ન થઈ શકે તે રીતે આવી સિસ્ટમ કેમેરાથી અલગ જગ્યાએ લોકરમાં સુરક્ષિત રીતે રાખવાની રહેશે. તેમજ સી.સી.ટી.વી કેમેરાઓમાં ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ પણ સમય સેટ કરવાનો રહેશે.

આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS,2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામા ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા. ૧૭-૧૧-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)