જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકામાં તા.૬ઠ્ઠી ડિસેમ્બરથી રવિ કૃષિ મહોત્સવ યોજાશે. જિલ્લામાં તાલુકાવાર તા.૬ તથા તા.૭ ડિસેમ્બરના યોજાનાર રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન આપવાની સાથે ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની પણ જાણકારી આપવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પદ્ધતિ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત ઉપરાંત વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મીલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરીસંવાદ કૃષિ પ્રદર્શન વગેરે ખેડૂત હિતકારી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
આ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞો દ્વારા મિલેટ પાક, બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન, મિક્સ ફાર્મિંગ સહિતના વિષયોને આવરી લઈ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત કૃષિ મહોત્સવના કાર્યક્રમના સ્થળે જુદા જુદા કૃષિલક્ષી સ્ટોલ પણ રાખવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર ૯ સ્થળોએ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભેસાણ ખાતે વિનય મંદિર હાઇસ્કુલ, જૂનાગઢમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ, કેશોદમાં તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડ, માળિયા હાટીનાના કુકસવાડા ગામે ચોરવાડ રોડ પર કર્મદીપ ઓઇલ મીલ સામે જુના બસ સ્ટેશનની બાજુમાં, માણાવદરમાં આહીર સમાજ ખાતે, માંગરોળના કરમદી ચિંગરીયા ગામે કોળી સમાજ ખાતે, મેંદરડાના ચિરોડા ગામે લેવા પટેલ સમાજ ખાતે, વંથલીમાં દિલાવર નગર, પેટ્રોલ પંપની બાજુમાં ઉમિયા પ્રોટીન્સ ખાતે અને વિસાવદરના માંડાવડ ગામના શ્રી ડી.વી. શૈક્ષણિક સંકુલનો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)