જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદી–નાળા છલકાઈ જતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પાણી ઘુસી જવાથી તંત્ર સજાગ બન્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે જાતે જ મેદરડા, કેશોદ અને માંગરોળ તાલુકાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
🔹 બચાવ કામગીરી :
હાલમાં મેદરડા અને કેશોદ ખાતે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની બે બચાવ ટીમો સ્ટેન્ડબાય પોઝીશનમાં મુકવામાં આવી છે. તંત્ર તરફથી લોકોને સલામત સ્થળે પહોંચાડવા, પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તેમજ ખોરાક-પાણીની સુવિધા પહોંચાડવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
🔹 સાયક્લોન શેલ્ટરની વ્યવસ્થા :
જિલ્લામાં કુલ ૨૫ સાયક્લોન શેલ્ટર સક્રિય કરાયા છે. જેમાં અત્યાર સુધીમાં ૬૩૦ થી વધુ અસરગ્રસ્ત નાગરિકોને આશ્રય આપવામાં આવ્યો છે.
માંગરોળ તાલુકામાં : ૨૦ સાયક્લોન શેલ્ટર
માળીયા હાટીના તાલુકામાં : ૫ સાયક્લોન શેલ્ટર
દરેક સાયક્લોન શેલ્ટર પર આશરે ૫૫૦ લોકોને રાખવાની ક્ષમતા છે.
🔹 સ્થળાંતર કામગીરી :
માણાવદર શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી ૫૫૫ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
માંગરોળ તાલુકાના નવા કોટડા ગામે ૨૫ લોકોનું સ્થળાંતર થયું છે.
કેશોદ તાલુકામાંથી ૫૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
🔹 તંત્રના નિર્દેશો :
કલેક્ટરે તમામ તાલુકા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા, વરસાદી પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત–બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ લોકહિતના દરેક પગલાંમાં ઝડપ લાવવા સૂચના આપી છે.
જિલ્લા પોલીસ, આરોગ્ય વિભાગ, આર.ડી.ડી., તથા સ્થાનિક નગરપાલિકા–પંચાયતના કર્મચારીઓ પણ સતત મેદાનમાં કાર્યરત છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ