નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સ – ઓઈલ પામ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઓઈલ પામના વાવેતર માટે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે.
આ યોજના બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકાઈ છે, જેમાં ખેડૂતોને પ્રથમ વર્ષે રૂ. ૨૯,૦૦૦ અને પછીના ચાર વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦,૫૦૦ની સહાય આપવામાં આવશે. આ સહાય આંતરપાક અને નિભાવણી ખર્ચ માટે રહેશે.
ઓઈલ પામ એ આવકદાયક પાક છે અને તેના વાવેતરથી પામ ઓઈલ (પામોલીન) મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પેકેટ ફૂડ અને વિવિધ ખાદ્ય પ્રોડક્ટમાં થાય છે. ભારતમાં મોટા પાયે તેલની આયાત થતી હોવાથી દેશના વિદેશી મૂદ્રા ખર્ચમાં ઘટાડો થાય અને દેશના ખેડૂતોને તેનો સીધો લાભ મળે તેવા હેતુસર આ યોજના અમલમાં છે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે સરકાર દ્વારા પ્રિ-યુનિક કંપનીને માન્યતા આપવામાં આવી છે, અને ઇચ્છુક ખેડૂતોએ વધુ માહિતી માટે પ્રિ-યુનિક કંપનીના મો. નં. ૯૧૫૪૧ ૯૭૯૭૫ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, લઘુકૃષિ ભવન, જુનાગઢ (ફોન: ૦૨૮૫-૨૬૩૫૦૧૯) પર સંપર્ક કરવા જણાવાયું છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ