જૂનાગઢ
રાજ્યમાં દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૦૨-૦૩ થી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો જે આજે સતત ૨૧ વર્ષથી અવિરત રીતે ચાલી રહ્યો છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં રાજ્યના ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને નિયમિત શાળાએ જાય તેવા પ્રયાસ સાથે જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં ૨૬ જૂન થી ૨૮ જૂન ત્રિ- દિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છે. સવારે પ્રાથમિક શાળામાં અને બપોરે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તા. ૨૬ ના રોજ માંગરોળ ખાતે બંદર પ્રાથમિક શાળા માંગરોળ, પરમેશ વિદ્યાલય અને સોસાયટી બંદર પ્રા. શાળા અને તિરૂપતિ હાઇસ્કૂલ માંગરોળ ખાતે સવારે ૧૦.૦૦ થી ૦૧.૦૦ તથા તા. ૨૭ ના રોજ કેશોદ ખાતેના કલસ્ટર ઇન્દિરાનગરમાં આવતી શાળામાં સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા તા.૨૬ થી ૨૮ ના રોજ ભેસાણ અને વંથલી તાલુકાના ગામ ખાતે તેમજ જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન સહિતના જિલ્લાના અધિકારીશ્રી અને પદાધિકારીઓ, ગાંધીનગર સચિવાલયના નાયબ સચિવ અને ઉપસચિવ સહિત જૂનાગઢ જિલ્લાના દરેક તાલુકાઓના ગામડે ગામડે ફરીને શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવશે. આમ ૩ દિવસ દરમિયાન રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ધામધૂમ થી ઉજવામાં આવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માં વધુમાં વધુ વાલીઓ અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ કરવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન-૨૦૨૪ થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ૯૩૪૧ વિદ્યાર્થીઓને બાલવાટિકામાં, ધોરણ-૧ માં કુલ-૭૪૧૮, ધોરણ-૯ માં કુલ-૨૦૪૦૧ અને ધોરણ-૧૧ માં કુલ-૧૭૫૩૦ મળી જિલ્લામાં કુલ – ૫૪૬૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)