જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રવિ ઠેસીયાના અધ્યક્ષ સ્થાને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશ ડોડીયા અને તમામ તાલુકાના પી.એમ.પોષણ યોજનાના નાયબ મામલતદાર, સુપરવાઈઝરની ‘‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’’ના અમલીકરણ માટે બેઠક યોજવામાં આવેલ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘પઢાઈ ભી પોષણ ભી’’ ના ધ્યેયને સાકારીત કરવા સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારની નવી બાબત તરીકે વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનું બજેટ ફાળવી કુપોષણ દૂર કરવા ‘‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’’ નો તા.૧૧/૧૨/૨૦૨૪થી શુભારંભ કરવાનું નક્કી કરેલ છે.
જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાની કુલ-૭૧૪ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટીકા થી ધોરણ-૮ સુધીના કુલ-૭૯,૩૧૨ વિદ્યાર્થીઓને પી.એમ.પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે ‘‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’’ દ્વારા કેલરી પ્રોટીન યુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. જેમાં ખાંડેલા સીંગદાણા સહિતની ઘઉં અથવા સ્થાનિક શ્રી અન્ન-મિલેટની સુખડી ત્રણ દિવસ અને સિંગદાણા સહિત ચણા ચાટ/ મિક્સ કઠોળ ચાટ/ સ્થાનિક અન્ય ઉત્પાદિત કઠોળ ચાટ ત્રણ દિવસ આપનાર છે. જીલ્લાના પી.એમ.પોષણ યોજનાના કુલ-૨૧૨૫ માનદ વેતનધારકોને ભોજન ઉપરાંત અલ્પાહાર બનાવવાની કામગીરી માટે વેતનમાં ૫૦% નો વધારો કરવામાં આવેલ છે. આ બેઠકમાં ‘‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’’નું અસરકારક અમલીકરણ થાય, યોગ્ય માત્રામાં અને નિયત મેનુ મુજબ અલ્પાહાર બને, સંચાલકોને અલ્પાહાર સંદર્ભે તાલીમ આપવા બાબત, હાજરી/રિપોર્ટિંગ બાબત માનદવેતનમાં વધારા બાબત, ચકાસણી અને તપાસણી વગેરે બાબતે અધિકારીશ્રીઓ દ્વારા સૂચના કમ માર્ગદર્શન આપવામાં આવેલ આમ જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજનાની કચેરી દ્વારા અખબાર યાદિમાં જણાવાયુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)