જૂનાગઢ જિલ્લામાં વરસાદથી નુકશાન થયેલા રસ્તાઓની મરામતનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, 18 રસ્તાઓ પર પેચ વર્ક પૂર્ણ.

જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનાથી સતત વરસતા વરસાદના પગલે અનેક માર્ગો તથા નાળાઓ અને પુલોને નુકશાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિના પગલે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તાત્કાલિક ધોરણે મરામત અને રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિભાગના સહાયક અને અધિક સહાયક ઇજનેરોના સુપરવિઝન હેઠળ ખાસ ટીમો ઊભી કરીને પેચ વર્ક, સફાઈ અને નાળાઓની સ્થિતિ સુધારવાના પ્રયત્નો સતત ચાલે છે. હજુ સુધી કુલ 18 જેટલા અસરગ્રસ્ત રસ્તાઓ પર પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે અન્ય રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે.

રસ્તાઓ અને પુલોમાં મરામતના કામ માટે જરૂરી મશીનરી અને માનવબળની વ્યવસ્થા કરી કામગીરી ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક કામગીરી કરવા માટે ટીમો દિવસ-રાત સજ્જ છે.

તદુપરાંત, વિભાગ હેઠળના 93 પુલોનું નિરીક્ષણ હાથ ધરાયું છે, જેમાંથી જરૂર જણાતા પુલો પર સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. બાકીના પુલોના નિરીક્ષણની કામગીરી પણ ચાલુ છે.

આ સમગ્ર કામગીરીનું નિયમિત મોનિટરિંગ નાયબ કાર્યપાલક ઇજનેર તથા કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેથી જનહિતમાં કામગીરી યોગ્ય રીતે અમલમાં આવે અને વાહનચાલકોને આસાની રહે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ